સત્ય. સાહસ. સંકલ્પ.

કેદારનાથમાં સુરતના 14 યાત્રી ફસાયા, ગુજ્જુ લવગુરુના પરિવારને 3.60 કરોડની મદદ

કેદારનાથમાં સુરતના 14 યાત્રી ફસાયા, ગુજ્જુ લવગુરુના પરિવારને 3.60 કરોડની મદદ

કેદારનાથમાં ભારે વરસાદને કારણે સુરતના 14 યાત્રીઓ ફસાઈ ગયા છે. અલથાણની એક મહિલાએ રડતાં રડતાં સરકાર પાસે મદદ માંગી છે. ફસાયેલા ત્રણ યાત્રીઓને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના યાત્રીઓને બચાવવાની કામગીરી ચાલુ છે.

ગુજરાતમાં કોંગ્રેસે SIRમાં 13 કરોડ મતદારોના નામ કપાતા દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ગદ્દાર ગણાવતા પોસ્ટર્સ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરા અને સુરતમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

બેંક કર્મચારીઓની હડતાળ છેલ્લી ઘડીએ મોકૂફ કરવામાં આવી છે. મોડી રાત્રે સમજૂતી થતાં આ નિર્ણય લેવાયો. કર્મચારીઓની માગણીઓ પર હાઈ લેવલ કમિટી બનાવવામાં આવશે.

નિરમા યુનિવર્સિટી પાસે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું. સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવવાના મામલે આજે NSUIએ નિરમા યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યું. પોલીસે ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરી. આ દરમિયાન પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાની શેખી મારતો જોવા મળે છે.

અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઈથોપિયામાં અપહરણ થયું છે. પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી છે. રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઈ પત્તો નથી.

નવસારીમાં ભાજપ કોર્પોરેટરના ભત્રીજાએ આડેધડ ઓડી કાર ચલાવીને એક આધેડને અડફેટમાં લીધા. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આરોપી શિવાંશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

આણંદ-બોરસદ રોડ પર બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના મોત થયા છે અને ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. ધડાકાભેર અથડાયેલી બાઈકના કચ્ચરઘાણ વળી ગયા હતા.

ખેડાના લવાલ ગામે ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રએ એક યુવકના માથામાં પાઇપ મારી હતી. યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતાં કૃષ્ણપાલસિંહ ભાન ભૂલ્યો હતો. બાદમાં તેની પત્ની ટોળું લઈને પહોંચી હતી.

ગુજ્જુ લવ ગુરુના નિધન બાદ તેમના પરિવારની મદદ માટે 3 કરોડથી વધુનું ફંડ એકઠું થયું છે. પરિવારનું ભવિષ્ય સુનિશ્ચિત કર્યા બાદ વધતી રકમને સમાજના અન્ય જરૂરિયાતમંદોને આપવા અંગે વિચારણા ચાલી રહી છે.

સમરસ હોસ્ટેલમાં પિરસાતા ખોરાકમાંથી જીવડા નીકળતાં વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો છે. હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજન ન મળતાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ ધરણા પર બેસી ગઈ છે.