ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં 13 સપ્ટેમ્બર 2026ના રોજ થયેલા ભૂસ્ખલનમાં કેદારનાથ યાત્રાથી પરત ફરતા અમદાવાદના નરોડા વિસ્તારના રહીશ હરેશભાઈ મગનભાઈ લીંબડ ગુમ થયા છે. 24 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં તેમની ભાળ ન મળતાં પરિવારમાં ચિંતાનો માહોલ છે.
સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગે FIR દાખલ કરવામાં આવી છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક નિહારિકા તોમરે જણાવ્યું છે કે પોલીસ અને રેસ્ક્યૂ ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) સાથેની વાતચીત મુજબ, હરેશભાઈ ગુમ થવાની જાણ આસપાસના તમામ પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોને કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) સાથે સતત સંપર્કમાં છે અને કોઈ પણ અપડેટ મળતાં જ જાણ કરવાની ખાતરી આપી છે.
હરેશભાઈના પુત્ર આદિત્ય લીંબડ અને પત્ની ખ્યાતિ લીંબડ હાલ ઉત્તરાખંડ વહીવટીતંત્ર અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંપર્કમાં છે. પરિવારે યાત્રાળુઓ અને સ્થાનિક તંત્રને વિનંતી કરી છે કે હરેશભાઈ અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ગુજરાત ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.