સત્ય. સાહસ. સંકલ્પ.

કેદારનાથમાં અમદાવાદના યાત્રી ગુમ: 72 કલાકથી પતિની શોધમાં પત્ની, ભૂસ્ખલન વચ્ચે વિખૂટા પડ્યાં

કેદારનાથમાં અમદાવાદના યાત્રી ગુમ: 72 કલાકથી પતિની શોધમાં પત્ની, ભૂસ્ખલન વચ્ચે વિખૂટા પડ્યાં

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હરેશભાઈ લીંબડ અને તેમના પત્ની ખ્યાતિબેન કેદારનાથના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તેમની વર્ષોની ઇચ્છા શ્રાવણ મહિનામાં પૂરી થઈ હતી. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. પહાડી રસ્તા પર અચાનક ભૂસ્ખલન થતાં દંપતી વિખૂટા પડી ગયાં. હરેશભાઈ 72 કલાકથી વધુ સમયથી ગુમ છે.

ખ્યાતિબેને કેદારનાથ ઘાટીમાંથી જણાવ્યું કે, ગયા મંગળવારે (11મી સપ્ટેમ્બર) બપોરે 4 વાગ્યે 77 લોકોનું ગ્રૂપ કેદારનાથ તળેટીમાં પહોંચ્યું હતું. તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદને કારણે ભૂસ્ખલન થતાં તે દિવસે યાત્રા રોકી દેવામાં આવી હતી. તેઓ ત્રિયુગી નારાયણ મંદિરે દર્શન કરીને હોટેલ પરત ફર્યા હતા. 12મી સપ્ટેમ્બરે યાત્રા ફરી શરૂ થતાં દંપતીએ સવારે 9:30 વાગ્યે ચાલવાનું શરૂ કર્યું. 7 કિલોમીટર ચાલ્યા બાદ વાતાવરણ ખરાબ થતાં તેમણે ઘોડા પર જવાનું નક્કી કર્યું. બપોરે 3:45 વાગ્યે તેઓ કેદારનાથથી 2 કિલોમીટર દૂર ઘોડા સ્ટેન્ડ પર પહોંચ્યા. ત્યારબાદ ચાલીને મંદિરે ગયા અને સાંજે 6 વાગ્યે દર્શન કર્યા. રાત્રે 7 વાગ્યાની આરતીમાં ભાગ લીધો અને હોટેલમાં રાત્રી રોકાણ કર્યું.

13મી સપ્ટેમ્બરની સવારે દંપતી સ્પર્શ દર્શન માટે નીકળ્યાં. લાઇન લાંબી હોવાથી હરેશભાઈ ન ગયા અને ખ્યાતિબેન સવારે 5:20 વાગ્યે દર્શન કરીને પાછા આવ્યા. ત્યારબાદ ગ્રૂપ સાથે ભૈરવનાથ મંદિરે દર્શન કરવા ગયા. સવારે પોણા નવ વાગ્યે તેઓ નીચે ઉતરવા લાગ્યા. નીચે ઉતરવા માટે એક ઘોડો ભાડે કર્યો અને સવારે 9 વાગ્યે ઘોડા પર સવાર થયા. બપોરે 12:15 વાગ્યે ગૌરીકુંડથી માત્ર 2 કિલોમીટર દૂર હતા ત્યારે ફરી ભૂસ્ખલન થયું. ઘોડાવાળાએ આગળ વધવાનું બંધ કરી દીધું. તેઓ 12:15થી સાંજના 6 વાગ્યા સુધી એ જ સ્થળે રોકાયા. ત્યાં એક રૂમ ભાડે લઈને બેઠા. સાંજે 6:15 વાગ્યે બધાએ ત્યાંથી જવાનું શરૂ કર્યું. છ કલાકથી યાત્રા બંધ હોવાથી ભીડ વધી ગઈ હતી. ભીડમાં હરેશભાઈ આગળ ચાલતા હતા, તેમની પાછળ 3-4 લોકો હતા અને પછી ખ્યાતિબેન હતા. આ દરમિયાન 300થી વધુ ઘોડા ત્યાંથી પસાર થયા અને અચાનક જ હરેશભાઈ અને ખ્યાતિબેન વિખૂટા પડી ગયા.

ખ્યાતિબેને રડતાં રડતાં જણાવ્યું કે, 'તેઓ કોઈ દિવસ મારો સંપર્ક કર્યા વગર રહે જ નહીં.' ઘટનાને 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હરેશભાઈનો કોઈ પત્તો નથી. ખ્યાતિબેન સહી સલામત છે અને ત્રણ દિવસથી પતિને શોધવા માટે આમતેમ ભટકી રહ્યા છે. ભૂસ્ખલન બાદ પોલીસ અને NDRFની ટીમે રસ્તામાંથી પથ્થરો હટાવવાની કામગીરી કરી હતી. હાલ પોલીસ અને SDRFની ટીમો હરેશભાઈની શોધમાં લાગેલી છે.