સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયા કપ ફાઇનલમાં ચાર વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગનાર કાવ્ય પટેલની સફળતાની કહાણી

એશિયા કપ ફાઇનલમાં ચાર વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગનાર કાવ્ય પટેલની સફળતાની કહાણી

અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ ફાઇનલ મેચમાં મહેસાણાના પાંચોટ ગામમાં જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા યુવા ક્રિકેટર કાવ્ય પટેલે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી.

કાવ્ય પટેલને નાનપણથી જ ક્રિકેટર બનવાનો શોખ હતો અને તે સાત વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે અનેક મેડલ અને પુરસ્કાર જીત્યા છે. કાવ્ય 3.5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કેન્સરની બીમારીથી મોત થયું હતું. માતા દીપિકા પટેલે એકલા હાથે દીકરાનો ઉછેર કર્યો અને તેના ક્રિકેટના સપનાની જવાબદારી સંભાળી હતી.

દીપિકાબેન ગૃહિણી હોવા છતાં ઘરની જવાબદારીઓ સાથે કાવ્યના અભ્યાસ અને ક્રિકેટની પ્રેક્ટિસ વચ્ચે સંતુલન જાળવતા હતા. ટીમ ઇન્ડિયાની આ જીતથી કાવ્ય પટેલના પરિવાર અને ગુજરાત ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે.

કાવ્ય પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'ભારતીય ટીમ એશિયા કપ જીતી ત્યારે ટીમનો ભાગ હોવું અને તેમાં યોગદાન આપવું મારા માટે ગર્વની ક્ષણ છે. હું છેલ્લા 11થી 12 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું અને મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ આપી રહ્યો છું. હાલમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ પણ ચાલે છે. મારું શરૂઆતથી જ ભારતીય ટીમમાં રમવાનું સપનું હતું.'

કાવ્યના માતા દીપિકા પટેલે જણાવ્યું કે, 'શરૂઆતના વર્ષોમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને ક્યારેક એકલા હાથે બધું સંભાળવાનું ભારે લાગતું હતું, પરંતુ દીકરાના સપનાને પૂરું કરવા માટે સતત મહેનત કરતી રહી. આજે કાવ્યની સફળતા જોઈને મને મારી મહેનતનું પરિણામ મળ્યું હોવાનો આનંદ છે.'

દીપિકા પટેલે વધુમાં જણાવ્યું કે, 'કાવ્ય સાત વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કરાવ્યું હતું. તેનું ધ્યાન બદલવા માટે શરૂઆતમાં ક્રિકેટ મેદાનમાં મોકલ્યો હતો, પરંતુ ધીમે ધીમે ક્રિકેટમાં કાવ્યનો રસ વધતો ગયો અને તેણે આ ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ પરિવારને પણ લાગ્યું કે કાવ્યને ક્રિકેટમાં આગળ વધારવો જોઈએ અને તેને પૂરો સાથ આપવો જોઈએ.'

કાવ્યને ટ્યુશન, સ્કૂલ અને ક્રિકેટ પ્રેક્ટિસ માટે દિવસમાં ચારથી પાંચ વખત લેવા-મૂકવા જવું પડતું હતું. ક્રિકેટની પ્રેક્ટિસ માટે 20 કિલોમીટર દૂર જવાનું હોય તો પણ હું દીકરાને મૂકવા અને લેવા જતી હતી. કાવ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું. છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કાવ્યના મામા પણ આ જવાબદારીમાં મદદ કરી રહ્યા છે.

કાવ્ય પટેલના ઘરમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓના ફોટા ફ્રેમ કરીને લગાવવામાં આવ્યા છે. કાવ્યને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સૌથી વધુ પસંદ છે અને કોહલી વિશે કોઈ વાત કરે તો તેને ખૂબ ગમે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ તેનો પસંદગીનો ખેલાડી છે.

કાવ્ય પટેલ અંડર-19 ટીમમાં જમણેરી બેટ્સમેન અને બોલર છે. તેના ઘરમાં નાનપણથી અત્યાર સુધી મળેલા તમામ એવોર્ડ અને મેડલ સાચવીને રાખવામાં આવ્યા છે. ભારતીય અંડર-19 ટીમની એશિયા કપ જીત સાથે કાવ્ય પટેલે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં મોટું સ્થાન મેળવ્યું છે. જોકે, હવે તેનું આગામી લક્ષ્ય ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવીને દેશ માટે રમવાનું છે.