બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફની માતા સુઝેન ટરકોટે લંડનનું આરામદાયક જીવન છોડીને 2008માં ભારતના તમિલનાડુ રાજ્યના એક નાના ગામમાં સ્થાયી થયા છે. ત્યાં તેઓ ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે.
સુઝેન 'રિલીફ પ્રોજેક્ટ્સ ઇન્ડિયા' નામની સંસ્થા ચલાવે છે, જે સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને સાંજે મફત ટ્યુશન આપે છે. 2015માં તેમણે 'માઉન્ટેન વ્યુ સ્કૂલ' શરૂ કરી, જ્યાં શરૂઆતમાં 30 બાળકો હતા અને આજે 300થી વધુ બાળકો અભ્યાસ કરે છે.
કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની માતા મદુરાઈ પાસેના એક દૂરના ગામમાં રહે છે, જ્યાં દિવસમાં થોડા કલાક જ વીજળી આવે છે અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ ભાગ્યે જ મળે છે. આ કારણે તે માતા સાથે ફોન પર વાત કરી શકતી નથી.
સુઝેન ટરકોટ પોતે વકીલ અને સમાજસેવિકા છે. કેટરિનાના પિતા-માતાના છૂટાછેડા થયા પછી તેમણે એકલા હાથે આઠ બાળકોનો ઉછેર કર્યો છે. કેટરિના ઉપરાંત તેમને ત્રણ મોટી બહેનો, ત્રણ નાની બહેનો અને એક મોટો ભાઈ છે.
સુઝેનની સંસ્થા આજે 25થી વધુ ગામોમાં સક્રિય છે. શિક્ષણ ઉપરાંત મહિલા સશક્તિકરણ, જીવન કૌશલ્ય તાલીમ, કરિયર માર્ગદર્શન અને સર્વાઇકલ કેન્સર જાગૃતિ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે. કેટરિના પણ આ પ્રોજેક્ટને આર્થિક સહાય કરે છે.