મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે માતા બન્યા પછી શરીરમાં આવેલા બદલાવને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં તે અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં વિકી કૌશલ સાથે જોવા મળી હતી, જ્યાં તેના વધેલા વજનને લઈને ટીકા થઈ. આ મુદ્દે હવે પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને ભાજપ નેતા તથા અભિનેત્રી ખુશ્બૂ સુંદરે કેટરીનાનો બચાવ કર્યો છે.
પ્રિયંકા ચતુર્વેદીએ તેમના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું છે, "પ્રિય મહિલાઓ, તમારું વજન વધ્યું હોય કે ઘટ્યું હોય, તમારી ઉંમર કેટલી છે, તમે કેવી દેખાઓ છો, તમારું શરીર કેવું છે અથવા તમારી ત્વચા કેવી છે—આમાંથી કોઈ પણ બાબતનો હિસાબ તમારે એવા લોકોને આપવાની જરૂર નથી, જેમની પાસે બીજાના જીવન પર ટિપ્પણી કરવા સિવાય બીજું કોઈ કામ નથી."
ખુશ્બૂ સુંદરે પણ એક લાંબી પોસ્ટમાં કેટરીનાને ટેકો આપ્યો છે. તેમણે લખ્યું, "આખરે કોઈ મહિલાની ઉંમરને હંમેશાં જાહેર ચર્ચાનો વિષય કેમ બનાવી દેવામાં આવે છે? જેમ જ કોઈ મહિલા ઉંમરના એક પડાવને પાર કરે છે, સમાજ તેને અનેક રીતે આંકવાનું શરૂ કરી દે છે—'શું તે હજી પણ પોતાના શિખર પર છે?', 'શું તેણે પોતાને જાળવી રાખી છે?', 'હવે તે પહેલાં કરતાં અલગ કેમ દેખાય છે?', 'શું તે વૃદ્ધ થઈ ગઈ છે?'"
ખુશ્બૂએ આગળ કહ્યું, "પરંતુ પુરુષોના મામલામાં આ જ પ્રશ્નો કેમ પૂછવામાં આવતા નથી? કોઈ પુરુષના વાળ ઊડી જાય તો તેને 'સન્માનિત અને પ્રભાવશાળી' કહેવામાં આવે છે. પેટ બહાર આવી જાય તો કોઈ પૂછતું નથી કે તેનો 'પ્રાઇમ' ક્યાં ગયો. વાળ સફેદ થઈ જાય તો તે અચાનક 'સોલ્ટ એન્ડ પેપર હેન્ડસમ', 'મેચ્યોર' અને 'મોહક' બની જાય છે. પુરુષની ઉંમર વધે છે ત્યારે તેના અનુભવની સાથે તેની સુંદરતા પણ વધતી માનવામાં આવે છે. પરંતુ મહિલાની ઉંમર વધતાં જ તેની દરેક કરચલી, વધતું દરેક વજન, દરેક સફેદ વાળ અને શરીરમાં આવેલો દરેક બદલાવ લોકોની ચર્ચાનો મુદ્દો બની જાય છે."
તેમણે પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું, "જ્યારે મારું વજન વધારે હતું, ત્યારે મારી મજાક ઉડાવવામાં આવતી હતી. એટલું જ નહીં, મને એવી મહિલાઓનું ઉદાહરણ બનાવીને રજૂ કરવામાં આવતી હતી, જેમને સમાજ 'જાડી અને કદરૂપી' માને છે. આજે જ્યારે મેં મારું વજન ઘટાડ્યું છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે મેં ઇન્જેક્શન લઈને વજન ઘટાડ્યું છે. જાણે સમાજે તો એવો નિર્ણય જ સંભળાવી દીધો છે કે હું ઇન્જેક્શન લઈ રહી છું. કેટરીના, તમે હંમેશાં તમારું જીવન તમારી રીતે જીવ્યાં છો, ગરિમા, આત્મસન્માન અને શાલીનતા સાથે. આગળ પણ બરાબર એ જ રીતે જીવો. મહિલાની કોઈ 'પ્રાઇમ ઉંમર' હોતી નથી. તેનું એક જીવન હોય છે અને તે જીવનનો દરેક પડાવ માત્ર તેનો જ હોય છે."
ઋતિક રોશને પણ આડકતરી રીતે કેટરીનાને ટેકો આપ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઇક કરી છે, જેમાં લખવામાં આવ્યું હતું કે કેટરીના બાળપણથી લોકોની ક્રશ રહી છે અને ઘણા લોકો તેમની ફિલ્મો અને પોસ્ટર રાખે છે. પરંતુ હવે માત્ર વજન વધ્યું હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કેટરીનાએ પ્રેગ્નન્સી બાદ શરીરમાં થયેલા બદલાવ અંગે 'ધ હોલિવૂડ રિપોર્ટર'ને કહ્યું હતું, "જ્યારે મેં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી, ત્યારે સુંદરતા અંગે લોકોની વિચારસરણી ઘણી અલગ હતી. સુંદર દેખાવા માટેના કેટલાક નિશ્ચિત માપદંડો હતા. પરંતુ હવે મારા માટે સારા દેખાવાનો અર્થ એ છે કે હું અંદરથી સારું અને સ્વસ્થ અનુભવું. આ માટે હું પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. તેની અસર મારા સમગ્ર શરીરની સાથે મારી ત્વચા પર પણ પડે છે. મારું માનવું છે કે જ્યારે તમે અંદરથી સ્વસ્થ અને ખુશ અનુભવો છો, ત્યારે તમારો આત્મવિશ્વાસ આપોઆપ તમારા ચહેરા અને વ્યક્તિત્વમાં દેખાવા લાગે છે."
ટ્રોલિંગની શરૂઆત કેટરીનાના પ્રોડ્યુસર કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં જવાથી થઈ હતી. સફેદ સૂટ અને કાળા ચશ્મા પહેરેલી તેના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. માતા બન્યા બાદ કેટરીના ઓછા પ્રસંગોએ જાહેરમાં દેખાઈ રહી હતી અને પાપારાઝીથી બચતી પણ જોવા મળી હતી.