સત્ય. સાહસ. સંકલ્પ.

બોડી શેમિંગ પર કેટરિના કૈફનો જવાબ: 'બાઉન્સ બેક' શબ્દ પર ઉઠાવ્યા સવાલ

બોડી શેમિંગ પર કેટરિના કૈફનો જવાબ: 'બાઉન્સ બેક' શબ્દ પર ઉઠાવ્યા સવાલ

એક્ટ્રેસ કેટરિના કૈફે માતા બન્યા બાદ તેમના શારીરિક ફેરફારો અને વજનને લઈને થઈ રહેલાં ટ્રોલ પર મૌન તોડ્યું છે. મેગેઝિન વોગ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ મહિલાઓ પર પ્રેગ્નન્સી બાદ તરત જ જૂના દેખાવમાં પાછા ફરવાના સામાજિક દબાણ પર સવાલો ઉઠાવ્યા છે.

કેટરિનાએ કહ્યું કે તે જીવનના આ સુંદર તબક્કાનો આનંદ માણી રહ્યાં છે અને પોતાની અનુકૂળતા મુજબ ફિટનેસ હાંસલ કરશે. કેટરિના પતિ વિક્કી કૌશલ સાથે અંબાણી પરિવારના ગણેશોત્સવમાં સામેલ થઈ હતી. વધેલા વજનને કારણે સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેમની તસવીરોની સરખામણી કરવામાં આવવા લાગી હતી.

'બાઉન્સ બેક' શબ્દ પર કેટરિનાએ ઉઠાવ્યા સવાલ

કેટરિનાએ મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા શબ્દ બાઉન્સ બેક (જૂના આકારમાં પાછા ફરવું)ને નકારી કાઢ્યો. તેમણે કહ્યું, "બાઉન્સ બેક શા માટે? મેં મારા જીવનમાં આગળ વધીને તે હાંસલ કર્યું છે, જેની મને લાંબા સમયથી ઇચ્છા હતી. પછી હું પાછળ કેમ જવા માંગું?" કેટરિનાએ જણાવ્યું કે પુત્ર વિહાનના જન્મના શરૂઆતના દિવસોમાં તેને જોવું એક અલગ જ અહેસાસ હતો, જેણે તેમના અને વિક્કીના 4 વર્ષ લાંબી પ્રતીક્ષા અને સંઘર્ષને પૂર્ણ કરી દીધો.

યુકેમાં પોતાના કોસ્મેટિક બ્રાન્ડના કાર્યક્રમમાં પણ કેટરિનાએ ટ્રોલિંગનો જવાબ આપ્યો હતો.

કડક નજરેથી જોવું લોકોની વ્યક્તિગત પસંદગી

સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું કે આજના સમાજમાં દરેક વ્યક્તિ જાણે છે કે બાળકને જન્મ આપ્યા પછી મહિલાના શરીરમાં કેવા ફેરફારો આવે છે. તેમ છતાં જો લોકો તે શરીરને ખરાબ નજરથી જોવાનું પસંદ કરે છે, તો તે તેમની વ્યક્તિગત પસંદગી છે. તેને જાણકારીનો અભાવ કહી શકાય નહીં, કારણ કે હવે ઇન્ટરનેટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે.

પોતાની ગતિએ હાંસલ કરીશ ફિટનેસનું લક્ષ્ય

કેટરિનાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની ફિટનેસને લઈને જાગૃત છે અને જાણે છે કે તેમનું શરીર કયા સ્તરે સૌથી સારું અનુભવે છે. તે કોઈપણ દબાણ વિના પોતાની ગતિએ તે ફિટનેસના લક્ષ્ય સુધી પહોંચશે. ઇન્ટરવ્યૂમાં વર્ષ 1990ના પ્રખ્યાત પુસ્તક 'ધ બ્યૂટી મિથ'નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં મહિલાઓમાં થતા સ્વાભાવિક ફેરફારો અને પ્રેગ્નન્સી પછીના શારીરિક સ્વરૂપને કેવી ખોટી દૃષ્ટિએ જોવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના દિવસે કેટરિના કૈફ પોતાના પતિ વિક્કી કૌશલ સાથે મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે યોજાયેલા ઉત્સવમાં સામેલ થયાં હતાં.

અંબાણી પરિવારના ગણેશોત્સવથી ટ્રોલિંગની શરૂઆત થઈ હતી

કેટરિના કૈફ અને વિકી કૌશલ 14 સપ્ટેમ્બરે અંબાણી પરિવારના ગણેશ ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. માતા બન્યા બાદ કેટરિનાની આ પહેલી મોટી જાહેર હાજરી હતી. કાર્યક્રમની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની જૂની અને નવી તસવીરોના કોલાજ બનાવીને સરખામણી કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે વધેલા વજનને લઈને કેટરિનાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઘણી મહિલાઓ અને ચાહકોએ બોડી શેમિંગનો વિરોધ કરીને કેટરિનાનું સમર્થન કર્યું હતું.

કેટરિનાની ટ્રોલિંગ બાદ ભડક્યા હતા સલમાન

ટીવી શો 'બિગ બોસ 20'ના બીજા 'વીકએન્ડ કા વાર'માં સલમાન ટ્રોલર્સ પર જોરદાર ભડક્યા હતા. સલમાન ખાને બોડી-શેમિંગ અને એજ-શેમિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેટરિનાને ટ્રોલ કરવામાં આવી હતી. તેમને પણ 'વૃદ્ધ થઈ ગયા' એવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સલમાને શોની વચ્ચે પોતાની ટી-શર્ટ ઉતારીને એબ્સ દેખાડ્યા હતા.

સલમાને ફિટનેસને ટ્રોલ કરનારને જવાબ આપતા જૅકેટ અને ટી-શર્ટ ઉતારીને પોતાના એબ્સ બતાવ્યા.

નવેમ્બર 2025માં પુત્રને જન્મ આપ્યો

કેટરિના કૈફે 7 નવેમ્બર 2025ના રોજ પુત્રને જન્મ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરતાં લખ્યું હતું, 'અમારી ખુશીઓનો ખજાનો આવી ગયો છે. ખૂબ જ પ્રેમ અને આભાર સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર 2025. કેટરિના અને વિક્કી.'

કેટરિના કૈફ બે વર્ષથી ફિલ્મોથી દૂર છે

કેટરિના કૈફ છેલ્લે વર્ષ 2024ની ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેમની સાથે વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારથી જ એક્ટ્રેસ કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. આ વર્ષે પણ તેમની કોઈ ફિલ્મ રિલીઝ થશે નહીં.