મધ્ય પ્રદેશના કટની જિલ્લાના બરહીમાં દિવાળીની રાત્રે એક ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના 6 સભ્યોનું જીવતા બળીને મોત થયું હતું. ક્રોકરીની દુકાનમાં લાગેલી આગમાં પૂરન અગ્રવાલ (77), તેમના પત્ની ચંદ્રકલા (74), પુત્રવધૂ પૂનમ, પૌત્રીઓ આર્યા (14), અન્વી (6) અને 2 મહિનાના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની બેદરકારીને કારણે આગ બુઝાવવામાં વિલંબ થયો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.
રાત્રે આશરે 12 વાગ્યે ક્રોકરીની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ સમગ્ર દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ ભયાનક અકસ્માતમાં 77 વર્ષીય પૂરન અગ્રવાલ, તેમના પત્ની ચંદ્રકલા (74), પુત્રવધૂ પૂનમ, પૌત્રીઓ આર્યા (14), અન્વી (6) અને માત્ર 2 મહિનાના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પૂનમ અને તેમનું 2 મહિનાનું બાળક ત્રીજા માળે ફસાયેલા હતા, જ્યારે ચંદ્રકલા અને બંને બાળકીઓ અન્ય રૂમમાં ફસાઈ ગઈ હતી. બીજી તરફ, રિતેશ અગ્રવાલ અને તેમની ભાભી સમયસર બહાર દોડી આવતાં તેઓનો જીવ બચી ગયો હતો.
દુર્ઘટના સમયે સ્થાનિક તંત્રની લાપરવાહી સામે આવી હતી. રાત્રે 12 વાગ્યે લાગેલી આગ બાદ બરહી નગર પરિષદનું ફાયર ફાઈટર આશરે 1 વાગ્યે પહોંચ્યું હતું, પરંતુ તેની પાઇપ ફાટેલી હતી. ત્યારબાદ વિજયરાઘવગઢથી બોલાવાયેલા વાહનની પાઇપમાં પણ ખામી સર્જાઈ હતી. બાદમાં કૈમોર અને કટનીથી વાહનો પહોંચ્યા હતા. અગ્નિશામક વ્યવસ્થા ખોરવાઈ જતાં આગ બુઝાવવામાં ભારે વિલંબ થયો હતો.
તંત્રની ઢીલી કામગીરી વચ્ચે સ્થાનિક યુવાનોએ હિંમત દાખવીને બચાવ કાર્યમાં મોરચો સંભાળ્યો હતો. સવારે આશરે 4:30 વાગ્યે પૂરન અગ્રવાલને બહાર કઢાયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારપછી સવારે 6:30 વાગ્યે જેસીબી વડે દીવાલ તોડીને અન્ય 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આટલી મોટી દુર્ઘટના હોવા છતાં વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સવારે 4 વાગ્યા સુધી સ્થળ પર પહોંચ્યા નહોતા અને ફોન પર પણ સંપર્ક થઈ શક્યો નહોતો. સવારે 4 વાગ્યે સ્થાનિક પોલીસ ટીમ તેમજ બાદમાં એસડીઓપી સ્થળ પર આવ્યા હતા. સમગ્ર નગરમાં આ હૃદયદ્રાવક ઘટનાને લઈને ભારે આક્રોશ અને શોકનું મોજું ફરી વળ્યું છે.