સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ 'કોકરોચ જનતા પાર્ટી'ના ચાર નેતાઓએ પીસ બોન્ડ પર સહી કરવા બદલ આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ નિર્ણયથી આ નેતાઓનું રાજકીય કરિયર ખતમ થઈ ગયું છે. બીજી તરફ, તેમણે 'આઈસા' નેતા નેહા બોરાના સાહસની પ્રશંસા કરી છે, જેમણે પીસ બોન્ડ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.
કાત્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, 'કોકરોચ જનતા પાર્ટીના ચાર ટોચના નેતાઓ - અભિજિત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે - એ પીસ બોન્ડ પર સહી કરી દીધી છે. આનો અર્થ એ થાય કે તેઓ હવે કોઈપણ જાહેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે જો તેઓ ભાગ લેશે તો પોલીસ શાંતિ ભંગ કરવાના આરોપસર તેમની ધરપકડ કરીને લાંબા સમય માટે જેલમાં મોકલી દેશે. આ બોન્ડ પર સહી કરવાથી જનતાની નજરમાં તેમની તમામ વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે હવે જનતા તેમને જેલ જવાથી ડરતા કાયર માની રહી છે.'
કાત્જુએ આઈસા નેતા નેહા બોરાના વખાણ કરતા જણાવ્યું હતું કે, 'હું માત્ર નેહા બોરાની ઇજ્જત કરું છું, જેમણે પીસ બોન્ડ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, કારણ કે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવો તેમનો બંધારણીય અધિકાર છે.' કાત્જુએ અભિજિત દીપકે અને અન્ય ત્રણ નેતાઓને 'ગેંગ ઓફ ફોર' ગણાવ્યા હતા અને કટાક્ષ કરતા એક દોહો પણ ટાંક્યો હતો કે, 'જબ પડી માર શમશીરન કી તો મહારાજ મેં નાઈ હૂં.'
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં એક વિશેષ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ સીજીપી નેતા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ શાંતિ ભંગ ન કરવા અને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન ન કરવા અંગેનું સોગંદનામું આપ્યું હતું. બંનેને 50-50 હજાર રૂપિયાના અંગત બોન્ડ અને જામીનદાર રજૂ કરવાનો આદેશ અપાયો હતો. આ બોન્ડ ભર્યા બાદ એસીપી રિતુ રાજના આદેશથી બંને નેતાઓને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.