સત્ય. સાહસ. સંકલ્પ.

કઠુઆમાં CISF જવાનનું અંધાધૂંધ ફાયરિંગ: આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનોનાં મોત, આરોપી ઝડપાયો

કઠુઆમાં CISF જવાનનું અંધાધૂંધ ફાયરિંગ: આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનોનાં મોત, આરોપી ઝડપાયો

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેવા પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત CISFના એક જવાને પોતાના સાથીઓ પર સરકારી AK-47 રાઇફલથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને સબ-ઇન્સ્પેક્ટર સહિત ચાર જવાનોનાં મોત નીપજ્યાં છે. કઠુઆ પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

આ ઘટના બસોહલી તાલુકાના મશકા વિસ્તારમાં આવેલા સેવા પાવર પ્રોજેક્ટ પર સ્થિત CISF કેમ્પમાં બની હતી. પ્રાથમિક તપાસ અનુસાર, જવાનો વચ્ચે પહેલાં ઉગ્ર બોલાચાલી અને આંતરિક વિવાદ થયો હતો. વિવાદ વણસતાં જવાને સર્વિસ રાઇફલમાંથી સાથીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

મૃતકોની ઓળખ અંકિત કુમાર પાંડે (આસિસ્ટન્ટ કમાન્ડન્ટ), લક્ષ્મણ સિંહ (સબ-ઇન્સ્પેક્ટર), રફીક અહેમદ (કોન્સ્ટેબલ) અને સંદીપ કુમાર (કોન્સ્ટેબલ) તરીકે થઈ છે. ચારેય જવાનોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહીં.

કઠુઆ પોલીસે આરોપી જવાનની ઓળખ અભિદેશ સિંહ તરીકે કરી છે. માહિતી અનુસાર, તે 2009 બેચનો CISF કર્મી છે. CISFના સૂત્રો પ્રમાણે, ઘટના સમયે તેની પાસે આશરે 150 રાઉન્ડ જીવંત કારતૂસ હતા.

કઠુઆ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ બાહ્ય આતંકી હુમલો નથી, પરંતુ દળના જવાનો વચ્ચેનો આંતરિક વિવાદ હતો. જોકે, ઝઘડાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસની ફોરેન્સિક અને તપાસ ટીમો કેમ્પ તથા આસપાસના વિસ્તારમાં પુરાવા એકત્રિત કરી રહી છે. બીજી તરફ CISF મુખ્યાલયે પણ આ મામલે આંતરિક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.