જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં CISFના જવાનો વચ્ચે થયેલી ઝઘડામાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા છે. આ ઘટનાથી સુરક્ષા વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
ઘટના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં બસોહલી નજીકના મશ્કા ગામમાં બની હતી. અહીં સેવા-III હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની સુરક્ષા માટે CISFની ટુકડી તૈનાત હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કેમ્પમાં બે જવાનો વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દલીલબાજી વણસતા એક જવાને ગુસ્સામાં સાથીદારો પર ફાયરિંગ શરૂ કરી દીધું.
આ ઘટનામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહેમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમાર શહીદ થયા છે. ઘાયલ જવાનોને તાત્કાલિક હિમાચલ પ્રદેશની સરહદમાં આવેલી NHPCની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.
પોતાના સાથીઓ પર ગોળીબાર કરનાર આરોપી હેડ કોન્સ્ટેબલ અવધેશ કુમારને ઘટનાસ્થળેથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. CISF મુખ્યાલયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'નો આદેશ આપવામાં આવ્યો છે, જેથી ગોળીબાર પાછળનું સચોટ કારણ બહાર આવી શકે.