સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં કાઠી સમાજના યુવાનો માટે આધુનિક 'કાઠિયાવાડ ભવન', આજે CM ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે

ગાંધીનગરમાં કાઠી સમાજના યુવાનો માટે આધુનિક 'કાઠિયાવાડ ભવન', આજે CM ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે

કાઠી દરબાર સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધા પૂરી પાડવા ગાંધીનગરમાં 'કાઠિયાવાડ ભવન' તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવનનું આજે 22 ઓક્ટોબરે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થશે.

કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટે આ ભવન તૈયાર કર્યું છે. પાંચ માળની બિલ્ડિંગમાં આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, હોસ્ટેલ અને ભોજનાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. એક રૂમમાં ત્રણ વિદ્યાર્થી રહી શકે તેવી વ્યવસ્થા છે.

કોચિંગ માટે નિષ્ણાત શિક્ષકોને જોડવામાં આવ્યા છે. ઓનલાઇન શિક્ષણની પણ સુવિધા રાખવામાં આવી છે, જેથી કોઈ નિષ્ણાત શિક્ષક પ્રત્યક્ષ હાજર ન રહી શકે તો પોતાના સ્ટુડિયોમાંથી લાઇવ ક્લાસ આપી શકે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે આ સુવિધાનો લાભ રાજકોટ અને બોટાદની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મળે.

વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે રહેવાની, ભોજનની અને ગુણવત્તાયુક્ત કોચિંગની સુવિધા આપવા ટ્રસ્ટનો હેતુ છે. આ માટે નજીવી ફી લેવાનું આયોજન છે, જોકે ફીની ચોક્કસ રકમ હજુ નક્કી થઈ નથી.

હાલનું ભવન યુવાનો માટે તૈયાર કરાયું છે, પરંતુ ભવિષ્યમાં સમાજની દીકરીઓને પણ આવી જ સુવિધા મળે તે માટે અલગ સંકુલ બનાવવાનો વિચાર છે. સાવરકુંડલાના પીઠાબાપુ વાસુરબાપુ ખુમાણ ટ્રસ્ટ આ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે. યોગ્ય સરકારી જમીન અથવા અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો દીકરીઓ માટે પણ અલગ સંકુલ ઊભું કરવાની યોજના છે.

ભવનની પ્રથમ બેચ માટે 600થી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 224 ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં મેરિટના આધારે 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓનું કોચિંગ 25 ઓક્ટોબરથી શરૂ થવાનું છે. પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે માટે સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે છે.

વિદ્યાર્થીઓને GPSC, UPSC, વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3, PSI અને પોલીસ કોન્સ્ટેબલ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ટ્રસ્ટે નિષ્ણાતોની મદદથી અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. ઉમેદવારોને અગાઉથી અભ્યાસક્રમ આપવામાં આવે છે અને તેના આધારે ઓબ્જેક્ટિવ પ્રકારની MCQ પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી થાય છે.

કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટે 2020માં આ દિશામાં કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં કામચલાઉ કાઠિયાવાડ ભવનમાં 39 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી હતી, જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની સરકારી ભરતી માટે કોચિંગ આપવામાં આવતું હતું. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, આ બેચના આશરે 26 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી હતી. આ સફળતા બાદ યુવાનોને કાયમી ધોરણે કોચિંગ અને રહેવાની સુવિધા મળે તે માટે કાયમી ભવન બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ટ્રસ્ટનો હેતુ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન, રહેઠાણ અને અભ્યાસનું વાતાવરણ પૂરું પાડીને સરકારી સેવાઓમાં આગળ વધવાની તક આપવાનો છે.