શ્રીનગરથી લગભગ 45 કિમી દૂર બિજબેહરા વિસ્તારમાં આવેલા જિયા દેવી મંદિરમાં 60 વર્ષના ગુલામ નબી શેખ છેલ્લા 37 વર્ષથી દરરોજ સવારે સફાઈ કરે છે. આ તેમની નોકરી નથી અને તેમને કોઈ પગાર પણ મળતો નથી. કાશ્મીરમાં આતંકવાદ શરૂ થતાં પહેલાં જ 1986માં મંદિરો પર હુમલા શરૂ થઈ ગયા હતા. જિયા દેવી મંદિરમાં પણ તોડફોડ કરીને મૂર્તિ ચોરી લેવામાં આવી હતી.
કાશ્મીરી પંડિતોની સંસ્થા વિજેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ખીણમાં 438 મંદિરો છે. તેમાંથી આશરે 350 મંદિરોનું રિનોવેશન શરૂ થઈ ગયું છે, જ્યારે 80 મંદિરો હજુ પણ ખરાબ હાલતમાં છે.
ગુલામ નબીની વાર્તા કાશ્મીરના મંદિરોનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. ખીણમાં કેટલાક મંદિરો એવા છે જ્યાં વર્ષો પછી પૂજાની રોનક પરત ફરી રહી છે, પરંતુ ઘણા મંદિરો આજે પણ ખંડેર હાલતમાં છે. શ્રીનગરથી બારામુલા અને અનંતનાગ સુધીના આ મંદિરો પાછળ એક સામાન્ય વાર્તા જોડાયેલી છે – કાશ્મીરી પંડિતોના પલાયન બાદ છૂટી ગયેલા વારસાને બચાવવાનો પ્રયાસ.
1. વિઠ્ઠલ ભૈરવ મંદિર, રૈનાવારી, શ્રીનગર
જમ્મુ-કાશ્મીર સરકારે 37 વર્ષ બાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો છે. 17 ઓક્ટોબરે ચીફ સેક્રેટરી અટલ ડુલ્લુએ તેનો શિલાન્યાસ કર્યો. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું માનવામાં આવે છે. અમરનાથ યાત્રા પર જતા સાધુઓ આ જ મંદિરમાં રોકાતા હતા. 1990માં કાશ્મીરી પંડિતોના પલાયન બાદ અહીં પૂજા બંધ થઈ ગઈ હતી અને મંદિરની જમીન પર કબજો જમાવી લેવામાં આવ્યો હતો. 2012માં મંદિરના સમારકામ અને જમીન પરથી કબજો હટાવવાની ઝુંબેશ શરૂ થઈ. આખરે 2016માં 27 વર્ષ બાદ ફરીથી પૂજા શરૂ થઈ. હવે 10 વર્ષ બાદ મંદિરનું રિનોવેશન થઈ રહ્યું છે.
2. શીતલનાથ મંદિર, શ્રીનગર
ઐતિહાસિક શીતલનાથ મંદિરમાં 36 વર્ષ બાદ ફરી પૂજા શરૂ થઈ છે. આ મંદિર કેટલું જૂનું છે, તેની કોઈ ચોક્કસ માહિતી નથી. 15મી સદીના કાશ્મીરી ઈતિહાસકાર જોનરાજાએ શીતલેશ્વર ભૈરવનો ઉલ્લેખ કર્યો છે. તેના પરથી માનવામાં આવે છે કે આ મંદિર 700 વર્ષથી પણ વધુ જૂનું છે. 1990 પહેલા અહીં પૂજા અને ભણતર બંને સાથે થતાં હતાં. આતંકવાદના કારણે મંદિર અને શાળા બંને બંધ થઈ ગયાં.
મંદિરમાં મળેલાં મીના હાંડુ જણાવે છે, ‘મારા સાસરિયાંઓ આ જ વિસ્તારમાં રહેતા હતા. આ જગ્યા માત્ર એક મંદિર નહોતી, લોકો અહીં મળતા હતા. નાટકો ભજવાતા હતા. જન્માષ્ટમીનું સરઘસ, ઝાંખીઓ અને રથયાત્રા યોજાતી હતી.’
‘મારા પિતા જણાવતા હતા કે 1946-47માં મહાત્મા ગાંધી અહીં આવ્યા હતા. જવાહરલાલ નેહરુ, ખાન અબ્દુલ ગફાર ખાન, વીર સાવરકર, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી પણ અહીં આવી ચૂક્યા છે. 1991માં મંદિર સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 2014ના પૂરમાં મંદિરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું. પરિસરમાં પાણી ભરાઈ ગયું હતું અને ઇમારતમાં તિરાડો પડી ગઈ હતી.’
‘2021માં અમે 4-5 કાશ્મીરી પંડિતો અહીં આવ્યા હતા. મંદિરમાં હવન કર્યો. અમને જણાવવામાં આવ્યું કે મંદિર ખોલવા અને પૂજા કરવા માટે પરવાનગી લેવી પડશે. અમે પરવાનગી લીધી. ત્યારપછી દર વર્ષે આવતા રહ્યા. અમારા ટ્રસ્ટ સનાતન ધર્મ સંસ્થાએ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકાર સાથે વાત કરી. ત્યારપછી સ્માર્ટ સિટી ઓથોરિટીએ મદદ કરી. 23 ઓક્ટોબરે મંદિર ફરીથી ખોલવામાં આવ્યું.’
આ પછી મંદિરમાં પહેલીવાર દિવાળી ઉજવાઈ. લોકોએ દીવા અને મીણબત્તીઓ પ્રગટાવ્યા. બાળકોએ ફૂલઝડીઓ ફોડી. જોકે, આ દરમિયાન ઓછા જ લોકો પહોંચ્યા હતા. શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શીતલનાથ ભૈરવ મંદિરમાં દશકાઓ પછી પહેલીવાર સત્તાવાર રીતે દિવાળી ઉજવવામાં આવી છે.
3. શિવલિંગ મંદિર, કાનલીબાગ, બારામુલા, ઉત્તર કાશ્મીર
આશરે 500 વર્ષ જૂના 12 ફૂટ ઊંચા શિવલિંગનો જીર્ણોદ્ધાર શરૂ થઈ ગયો છે. બારામુલા જિલ્લા વહીવટીતંત્રે આ માટે 13 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 12 ઓક્ટોબરે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. બારામુલાની શ્રી સનાતન ધર્મ સભાના જણાવ્યા અનુસાર, અહીં એક સમયે શિવ મંદિર હતું. મંદિર નષ્ટ થયા પછી શિવલિંગ બચી ગયું.
બારામુલાના ડેપ્યુટી કમિશનર એસએફ હામિદે જણાવ્યું કે આશરે 12 ફૂટ ઊંચા આ પ્રાચીન શિવલિંગની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ મળી હતી. આસપાસ માટીના ધોવાણ અને ઉપેક્ષાના કારણે હાલત બગડી રહી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના નિર્દેશ પર શિવલિંગ અને તેની આસપાસના જીર્ણોદ્ધાર માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.