જમ્મુ-કાશ્મીરના ગંદેરબાલ જિલ્લામાં પ્રવાસીઓથી ભરેલું ટેમ્પો ટ્રાવેલર રસ્તા પરથી લપસીને આશરે 60 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં 8 ગુજરાતીઓ સહિત કુલ 18 પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, આ પ્રવાસીઓ સોનમર્ગથી શ્રીનગર તરફ પરત ફરી રહ્યા હતા. ગુંદ વિસ્તારમાં વાહનચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રાવેલર માર્ગ પરથી નીચે ખાઈમાં ખાબક્યું હતું. અકસ્માત બાદ વાહનમાં સવાર પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘાયલ પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ, સેના અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ એજન્સીઓએ સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા 6 પ્રવાસીઓને વધુ સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ઘટનાની નોંધ લઈને સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને ઘાયલ પ્રવાસીઓને તમામ શક્ય તબીબી સહાય તથા શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા સૂચનાઓ આપી હતી.
હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે પ્રવાસીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.