સત્ય. સાહસ. સંકલ્પ.

કસાબે કોર્ટમાં ગુનો કબૂલ્યો, પણ સરકારી વકીલ નિકમે વિરોધ કેમ કર્યો?

કસાબે કોર્ટમાં ગુનો કબૂલ્યો, પણ સરકારી વકીલ નિકમે વિરોધ કેમ કર્યો?

મુંબઈની આર્થર રોડ જેલમાં 20 જુલાઈ 2009ના રોજ ચાલી રહેલી ખાસ અદાલતમાં એક ચોંકાવનારી ઘટના બની. આરોપી અજમલ આમિર કસાબે અચાનક કોર્ટમાં કબૂલાત કરી, 'સાહેબ, મૈં ગુનહગાર હૂં.' કોર્ટરૂમમાં ક્ષણભર સન્નાટો છવાઈ ગયો. કસાબ 2008ના મુંબઈ આતંકી હુમલાનો એકમાત્ર જીવતો પકડાયેલો આતંકવાદી હતો.

પરંતુ આશ્ચર્યજનક રીતે, સરકારી વકીલ ઉજ્જવલ નિકમે ઊભા થઈને 'ઓબ્જેક્શન, મિ લોર્ડ' કહીને આ કબૂલાતનો વિરોધ કર્યો. નિકમ કસાબને ફાંસી અપાવવાના મિશન પર હતા, તો પછી તેમણે કબૂલાતનો વિરોધ કેમ કર્યો? આ સવાલનો જવાબ એ છે કે નિકમ ઇચ્છતા હતા કે કસાબને સાબિત થયેલા ગુનાઓ માટે જ દોષિત ઠેરવવામાં આવે, જેથી કોઈ શંકા ન રહે.

26/11ના રોજ અજમલ કસાબ સહિત 10 પાકિસ્તાની આતંકીઓએ મુંબઈના CST સહિત અનેક સ્થળોએ ગોળીબાર કરીને 166 નિર્દોષ નાગરિકો અને 18 સુરક્ષાકર્મીઓની હત્યા કરી હતી. આ હુમલાને આવતા મહિને 18 વર્ષ પૂરાં થશે. કસાબને ફાંસી સુધી પહોંચાડનારા ઉજ્જવલ નિકમ પર બનેલી ફિલ્મ 'પ્રહાર' તાજેતરમાં રિલીઝ થઈ છે, જેમાં અભિનેતા રાજકુમાર રાવે નિકમની ભૂમિકા ભજવી છે.

27 નવેમ્બર 2008ની મધ્યરાત્રિએ ગિરગાંવ ચોપાટી પાસેની પોલીસ ચોકી પર એક ચોરાયેલી કાર આવી રહી હોવાની ગુપ્ત માહિતી મળી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં કાર ડિવાઇડર સાથે અથડાઈને અટકી ગઈ. કારમાં આતંકી અબુ ઇસ્માઇલ અને અજમલ કસાબ હતા. બંનેએ શરણાગતિનો ઢોંગ કરીને અચાનક ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન નિઃશસ્ત્ર આસિ. સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેએ કસાબને ઝપટ મારીને પકડી લીધો, જેને કારણે કસાબ જીવતો પકડાયો. આ અથડામણમાં ઓમ્બલે શહીદ થયા, તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

આ સમગ્ર કેસમાં ઉજ્જવલ નિકમની ભૂમિકા નિર્ણાયક રહી. તેમણે કસાબ સામે પુરાવા રજૂ કરીને તેને ફાંસીની સજા અપાવવામાં સફળતા મેળવી. કસાબને 2012માં ફાંસી આપવામાં આવી.