સત્ય. સાહસ. સંકલ્પ.

કર્ણાટકમાં મતદાર યાદીમાં ભૂલો: એક જ મતદારના નામ બે જગ્યાએ, સીઇઓએ કબૂલી ખામી

કર્ણાટકમાં મતદાર યાદીમાં ભૂલો: એક જ મતદારના નામ બે જગ્યાએ, સીઇઓએ કબૂલી ખામી

બેંગાલુરુ: કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પૂર્ણ થયા પછી પણ રાજ્યના કેટલાક વિધાનસભા વિસ્તારોની મતદાર યાદીઓમાં ભૂલો જોવા મળી છે. બે અલગ-અલગ વિધાનસભા વિસ્તારોની મતદાર યાદીમાં એક જ મતદારનું નામ અને એક જ પ્રકારની ડુપ્લિકેટ મતદાર ઓળખ સામે આવી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ ભૂલોનો સ્વીકાર કર્યો છે અને આ અંગે સ્પષ્ટીકરણ જારી કર્યું છે. ચૂંટણી અધિકારી કચેરીના જણાવ્યા અનુસાર મતદારોની અરજીઓ સંભાળવામાં થયેલી બે અલગ ભૂલોને કારણે આ કેસો પ્રકાશમાં આવ્યા છે.

પ્રથમ કેસમાં કેટલાક અરજદારોએ એસઆઇઆર દરમિયાન નાગરિક સેવા પોર્ટલ દ્વારા એકથી વધુ ફોર્મ નંબર ૬ ભરીને મોકલ્યા હતા. કારણ કે દરેક અરજી અલગ-અલગ રીતે પ્રોસેસ થઈ, અજાણતાં જ એક જ મતદાર માટે અનેક મતદાર ઓળખ નંબર જનરેટ થઈ ગયા હતા.

બીજો કેસ ઘર બદલનારા મતદારો સાથે સંબંધિત છે. જે મતદારોએ પોતાનું ઘર એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા વિધાનસભા વિસ્તારમાં બદલ્યું, તેમનો વિધાનસભા વિસ્તાર પણ બદલાઈ ગયો હતો. સરનામું બદલવા માટે ફોર્મ નંબર ૮ની અરજી મંજૂર થતાં તેમનાં નામ નવા વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં ઉમેરાઈ ગયાં હતાં. પરંતુ જૂના વિધાનસભા વિસ્તારમાંથી નામ દૂર કરવા માટેની ફોર્મ નંબર ૭ની પ્રક્રિયામાં વિલંબ થતાં તેમનાં નામ જૂના વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં પણ યથાવત્ રહી ગયાં. આથી એક જ વ્યક્તિનું નામ બે વિસ્તારોની યાદીમાં દેખાયું.

મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ આ ભૂલો સુધારવા અંગેની પ્રક્રિયા અંગે ખુલાસો આપ્યો છે, પરંતુ મતદાર યાદીની શુદ્ધતા ચૂંટણી પ્રક્રિયાનો પાયો હોવાથી આ ખામીઓ ગંભીરતાપૂર્વક સુધારવી જરૂરી છે.