સત્ય. સાહસ. સંકલ્પ.

પેટ્રોલ ભરાવતા પહેલા સાવધાન: કર્ણાટકમાં 805માંથી 768 પંપના મશીનમાં ગડબડ, 101 પંપ પર દંડ

પેટ્રોલ ભરાવતા પહેલા સાવધાન: કર્ણાટકમાં 805માંથી 768 પંપના મશીનમાં ગડબડ, 101 પંપ પર દંડ

કર્ણાટકમાં પેટ્રોલ પંપો પર મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. રાજ્ય સરકારે હાથ ધરેલી તપાસમાં 805માંથી 768 પંપોના મશીનોમાં ગડબડ મળી આવી છે. આ પંપોના ડિસ્પ્લે પર જેટલું પેટ્રોલ કે ડીઝલ દેખાય છે, એટલું ઇંધણ ખરેખર ટેન્કમાં આવતું નહોતું. ગ્રાહકોને ઓછું ઇંધણ આપીને વધુ પૈસા લેવાતા હતા.

તપાસમાં વધુ ગડબડ ધરાવતા 101 પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના પર કુલ ₹6.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કૅલિબ્રેશન એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો, મશીનના ડિસ્પ્લે પર જેટલું ઇંધણ દર્શાવાય છે, એટલું જ ઇંધણ નોઝલમાંથી બહાર નીકળવું જોઈએ. જો ડિસ્પ્લે 10 લીટર બતાવે તો નોઝલમાંથી બરાબર 10 લીટર જ ઇંધણ નીકળવું જોઈએ. આ માપ ચકાસવા માટે સરકાર સમયાંતરે પ્રમાણિત માપદંડો (Standard Measures) દ્વારા તપાસ કરાવે છે.

દરેક નાનો તફાવત ગડબડ ગણાતો નથી. નિયમો મુજબ 10 લીટરના માપ પર 50 મિલિલીટર સુધીનો તફાવત મંજૂર મર્યાદામાં ગણાય છે. એટલે કે 10 લીટરના ડિસ્પ્લે સામે 9.95 લીટર ઇંધણ મળે તો તે માન્ય ગણાય, પરંતુ તેનાથી વધુ ઘટાડો થાય તો તે ગંભીર બાબત બને છે.

આ ગોલમાલ કેવી રીતે થાય છે? પેટ્રોલ પંપના મશીનમાં 'ફ્લો મીટર' અને 'ડિસ્પેન્સિંગ મિકેનિઝમ' મળીને ઇંધણનું માપન કરે છે. જો આ ડિસ્પેન્સિંગ યુનિટની ચોકસાઈમાં ખામી સર્જાય અથવા ટેકનિકલ ગડબડ થાય, તો દર્શાવેલા આંકડા અને વાસ્તવિક જથ્થા વચ્ચે તફાવત આવી જાય છે. કેટલીકવાર આ ખામી ટેકનિકલ કારણોસર પણ સર્જાતી હોય છે.

જો તમને પેટ્રોલ કે ડીઝલના જથ્થા અંગે શંકા જાય, તો તમે પંપ પર રહેલા 5 લીટર કે 10 લીટરના પ્રમાણિત કેન કે માપિયા (Standard Measuring Can) વડે સ્થળ પર જ તપાસ કરાવવાની માંગણી કરી શકો છો.