સત્ય. સાહસ. સંકલ્પ.

કર્ણાટકના પેટ્રોલમાં વધુ ઇથેનોલનો દાવો કેન્દ્રે ફગાવ્યો, ઓઈલ કંપનીઓને તપાસ પદ્ધતિ પર શંકા

કર્ણાટકના પેટ્રોલમાં વધુ ઇથેનોલનો દાવો કેન્દ્રે ફગાવ્યો, ઓઈલ કંપનીઓને તપાસ પદ્ધતિ પર શંકા

કર્ણાટક સરકારે ઓઈલ કંપનીઓના પેટ્રોલમાં 31.2 ટકા સુધી ઇથેનોલ ભેળવવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. પેટ્રોલિયમ મંત્રાલયે આ દાવાને ફગાવી દીધો છે.

મંત્રાલયે જણાવ્યું કે 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવાયેલા E20 પેટ્રોલના તમામ 893 નમૂનાઓ તપાસમાં પસાર થયા છે. આ બધા નમૂનાઓમાં ઇથેનોલનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા એટલે કે 19 થી 20 ટકાની અંદર જ મળ્યું છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, કર્ણાટકમાંથી કુલ 56 નમૂના લેવાયા હતા અને તે તમામ તપાસમાં યોગ્ય પુરવાર થયા. તેમાં ઇથેનોલનું પ્રમાણ 19 થી 20 ટકાની વચ્ચે રહ્યું, જેની સરેરાશ 19.30 ટકા હતી. નમૂનાઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના ડેપો અને પંપ પરથી BIS ધોરણ મુજબ લેવાયા હતા.

બીજી તરફ, આ ત્રણે ઓઈલ કંપનીઓએ તપાસના પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે. કંપનીઓનું કહેવું છે કે નમૂનાઓની તપાસ નિર્ધારિત કાયદાકીય અને તકનીકી ધોરણો મુજબ થઈ નથી.

કંપનીઓએ જણાવ્યું કે નમૂના લેવા વખતે તેમના કોઈ પ્રતિનિધિને સાથે રાખવામાં આવ્યા નહોતા. રાજ્ય સરકારે ન તો સરખામણી માટે રાખવામાં આવતા કાઉન્ટર-સેમ્પલ આપ્યા અને ન તો સંપૂર્ણ લેબ રિપોર્ટ શેર કર્યો. જે ખાનગી લેબમાં તપાસ કરાવાઈ તેના પ્રમાણપત્રમાં તપાસની પદ્ધતિ, નમૂનાને પાતળા કરવાની પ્રક્રિયા અને વપરાયેલી સામગ્રી વિશે કોઈ માહિતી નથી. તેથી આ પરિણામો પર ભરોસો કરી શકાય નહીં. આ મુદ્દે ઓઈલ કંપનીઓએ સંયુક્ત પરીક્ષણની માગ કરી છે.

કર્ણાટક સરકારના દાવા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ‘E20 હવે 420 બની ગયું છે, જનતાની ગાડીમાંથી પેટ્રોલની ચોરી થઈ રહી છે.’ તેમના જણાવ્યા મુજબ, કર્ણાટક સરકારે 7 જિલ્લાઓમાંથી પેટ્રોલના 14 નમૂના લઈને માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં તપાસ કરાવી હતી, જેમાંથી 11 નમૂનામાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ મળ્યું હતું. વધુ ઇથેનોલ ભેળવવાથી ગાડીઓનું માઇલેજ ઘટે છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધે છે, જે જનતાની ગાડીઓમાંથી પેટ્રોલની ચોરી સમાન છે.

કેન્દ્ર સરકારે કર્ણાટક સરકારના એ દાવાને પણ નકારી કાઢ્યો છે, જેમાં કહેવાયું હતું કે વધુ ઇથેનોલ ભેળવવાને કારણે વાહનચાલકોને દર વર્ષે 1.01 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કર્ણાટક સરકાર અનુસાર, આમાંથી 62,000 કરોડ રૂપિયા માઇલેજ ઘટવાથી અને 39,000 કરોડ રૂપિયા વાહનોની મરામત પર ખર્ચાય છે.

પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે E20 પેટ્રોલ માટે બનાવાયેલા વાહનોમાં માઇલેજ 1 થી 2 ટકા જ ઘટે છે, જ્યારે અન્ય વાહનોમાં આ ઘટાડો 3 થી 6 ટકા સુધી હોઈ શકે છે.

આ સમગ્ર વિવાદનો અંત લાવવા માટે ઓઈલ કંપનીઓએ માગ કરી છે કે બંને પક્ષ સાથે મળીને સરકારી પ્રયોગશાળામાં પેટ્રોલના નમૂના લે અને તેની નિષ્પક્ષ તપાસ કરાવે.