સત્ય. સાહસ. સંકલ્પ.

તહેવારો પહેલા કર્ણાટકમાં નંદિની દૂધ 8 રૂપિયા મોંઘું, કેબિનેટે મંજૂરી આપી

તહેવારો પહેલા કર્ણાટકમાં નંદિની દૂધ 8 રૂપિયા મોંઘું, કેબિનેટે મંજૂરી આપી

કર્ણાટક સરકારે કેબિનેટ બેઠકમાં નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર 8 રૂપિયા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય દૂધ ઉત્પાદક યુનિયનોની લાંબા સમયની માંગણી પર લેવાયો છે, પરંતુ તેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ઘર બજેટ પર પડશે.

દૂધ યુનિયનોએ ઉત્પાદન ખર્ચ વધવાના કારણે ભાવમાં 8થી 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાની માંગ કરી હતી. કેબિનેટમાં ચર્ચા બાદ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પ્રતિ લિટર 8 રૂપિયાના વધારાને ટેકો આપ્યો હતો. ત્યારબાદ કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

જોકે, આ ભાવવધારો તરત જ લાગુ થશે નહીં. રાજ્યમાં એમએલસી ચૂંટણીને કારણે હાલ આદર્શ આચારસંહિતા અમલમાં છે. આથી સરકાર ચૂંટણી પંચની પરવાનગી વિના નવા ભાવ લાગુ કરી શકે નહીં. ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ ગ્રાહકોને નવા ભાવ લાગુ પડશે. નવા ભાવ ક્યારથી અમલમાં આવશે તેની અંતિમ તારીખ હજુ જાહેર થઈ નથી.

દૂધ રોજિંદી જરૂરિયાત હોવાથી પ્રતિ લિટર 8 રૂપિયાનો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના રોજિંદા ખર્ચને સીધો અસર કરશે. ચા, કોફી અને બાળકોના દૂધ પાછળનો ખર્ચ વધશે, જેથી તહેવારો પહેલા મોંઘવારીની ચિંતા વધી છે.