સત્ય. સાહસ. સંકલ્પ.

કર્ણાટક MLC ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસને મોટો ફટકો, ચારેય બેઠક પર હાર

કર્ણાટક MLC ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસને મોટો ફટકો, ચારેય બેઠક પર હાર

કર્ણાટક વિધાન પરિષદ (MLC) ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. રાજ્યની ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા છે. ભાજપે ત્રણ બેઠકો જીતી છે, જ્યારે જનતા દળ સેક્યુલર (JDS)એ એક બેઠક પર વિજય મેળવ્યો છે.

આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી. કોંગ્રેસ દેશભરમાં EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે, ત્યારે બેલેટ પેપરથી થયેલી આ ચૂંટણીમાં પક્ષને મળેલી હારને રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

કયા ઉમેદવાર ક્યાંથી જીત્યા?

ઉત્તર પૂર્વ શિક્ષક બેઠક: ભાજપના શશિલજી નમોશીને 15,596 મત મળ્યા અને તેમણે કોંગ્રેસના શરણપ્પા મટ્ટૂર (12,299 મત)ને 3,297 મતના અંતરથી હરાવ્યા.

દક્ષિણ પૂર્વ ગ્રેજ્યુએટ બેઠક: ભાજપના કે.એમ. સુરેશે કોંગ્રેસના શશિ હુલિકુંતે મઠને 23,000થી વધુ મતના મોટા માર્જિનથી પરાજય આપ્યો.

પશ્ચિમ ગ્રેજ્યુએટ બેઠક: ભાજપના એસ.વી. સંકનૂરે કોંગ્રેસના મોહન લિંબિકઈને 9,323 મતથી હરાવ્યા.

બેંગલુરુ શિક્ષક બેઠક: JDSના એ.પી. રંગનાથને 10,810 મત મેળવ્યા અને તેમણે કોંગ્રેસના પુટન્ના (9,902 મત)ને પરાજય આપ્યો.

JDS નેતાના પ્રહાર

પરિણામો જાહેર થયા બાદ JDS નેતા નિખિલ કુમારસ્વામીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ વખતે રાહુલ ગાંધી EVM પર આરોપ લગાવી શકશે નહીં, કારણ કે રાજ્યમાં સત્તા અને વહીવટી તંત્ર કોંગ્રેસના હાથમાં હતું અને મતદાન પણ બેલેટ પેપરથી થયું હતું. શિક્ષિત મતદારોએ કોંગ્રેસ સરકારની સામે બેલેટ પેપર પર મતદાન કરીને પોતાનો જનાદેશ આપ્યો છે, તેથી હવે કોંગ્રેસ કયું બહાનું કાઢશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

કોંગ્રેસ માટે ચિંતાજનક

આ પરિણામ કોંગ્રેસ માટે બેવડો આંચકો છે. એક તરફ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે અને હાલમાં જ ડી.કે. શિવકુમારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારે પોતાના જ રાજ્યમાં આ પ્રકારની હાર પક્ષ માટે ચિંતાજનક છે. આ અગાઉ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આસામના સિલચર નગર નિગમની ચૂંટણીમાં પણ બેલેટ પેપરથી મતદાન થયું હતું અને ત્યાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. બેલેટ પેપર પર મતદાન થવા છતાં સતત મળી રહેલી હારથી વિપક્ષી ગઠબંધન સામે અનેક સવાલો ઊભા થયા છે.