કર્ણાટક સરકારે પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવવાનો આરોપ તેલ કંપનીઓ પર લગાવ્યો છે. નિયમ મુજબ E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ હોવું જોઈએ, પરંતુ લેબ તપાસમાં તે 31.2% સુધી જોવા મળ્યું છે. આ ભેળસેળને કારણે વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને જાળવણીનો ખર્ચ વધી રહ્યો છે, એમ રાજ્ય સરકારનું કહેવું છે.
મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રાજ્ય સરકારે ઇન્ડિયન ઑઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, નયારા અને શેલ જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પરથી 63 નમૂનાઓ એકત્ર કર્યા. શરૂઆતમાં તેલ કંપનીઓની પોતાની લેબોરેટરીમાંથી ઇથેનોલની યોગ્ય માત્રા અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો, જેના કારણે ગેરરીતિની શંકા ઊભી થઈ. ત્યારબાદ સરકારે બેંગલુરુની ISO અને NABLથી માન્યતા પ્રાપ્ત ખાનગી લેબ 'શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'માં તપાસ કરાવી, જ્યાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ ભેળવવાની પુષ્ટિ થઈ.
લેબ તપાસમાં સામે આવ્યું કે તમામ મોટી તેલ કંપનીઓના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20%ની મર્યાદા કરતાં ઘણું વધારે હતું. બેંગલુરુ અર્બન સહિત 7 જિલ્લાઓના નમૂનાઓમાં IOCLના પેટ્રોલમાં સૌથી વધુ 31.2% સુધી ઇથેનોલ મળ્યું. તેના અન્ય નમૂનામાં 20.8% ઇથેનોલ મળી આવ્યું. બીજી તરફ, HPCLના પાવર પેટ્રોલમાં 30.5% અને સામાન્ય પેટ્રોલમાં 27% ઇથેનોલ મળી આવ્યું. BPCLના સ્પીડ પેટ્રોલમાં 26.5% અને અન્ય નમૂનાઓમાં 24.2% તથા 22.6% ઇથેનોલ મળ્યું. આ ઉપરાંત, નાયરાના પેટ્રોલમાં 26.1%, શેલના પેટ્રોલમાં 25.5% અને MRPLના પેટ્રોલમાં 19.2% સુધી ઇથેનોલ નોંધાયું.
કર્ણાટકના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ઉપભોક્તા બાબતોના મંત્રી રિઝવાન અરશદે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની જનતા સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમને વાસ્તવમાં કેટલું ઇથેનોલ મિશ્રિત બળતણ આપવામાં આવી રહ્યું છે. કર્ણાટક સરકારના આંકડા મુજબ, જો પેટ્રોલમાં વધુ ઇથેનોલને કારણે માઇલેજમાં 10%નો ઘટાડો થાય, તો દેશભરના વાહન માલિકોને વાર્ષિક ₹62,000 કરોડનું નુકસાન થશે. વાહનોના એન્જિન ખરાબ થવા અને વારંવાર સર્વિસિંગ કરાવવાને કારણે ₹39,000 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.
રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માંગ કરી છે કે તે વાહનચાલકો માટે એક ખાસ વળતર ફંડ બનાવે. આ ફંડનો હેતુ એવા લોકોને આર્થિક મદદ આપવાનો છે, જેમના વાહનોના એન્જિન પેટ્રોલમાં વધુ ઈથેનોલને કારણે ખરાબ થઈ રહ્યા છે અથવા જેમનો પેટ્રોલનો ખર્ચ અને માઈલેજમાં નુકસાન વધી રહ્યું છે.
દેશમાં ઇથેનોલની બે પેઢીઓ ઉપલબ્ધ છે. ફર્સ્ટ જનરેશન ઇથેનોલ શેરડીના રસ, ખાંડવાળી બીટ, સડેલા બટાકા, મીઠા જુવાર અને મકાઈમાંથી બનાવવામાં આવે છે. સેકન્ડ જનરેશન ઇથેનોલ સેલ્યુલોઝ અને લિગ્નોસેલ્યુલોસિક સામગ્રી જેવી કે ચોખાની ભૂકી, ઘઉંની ભૂકી, કોર્નકોબ (ડૂંડું), વાંસ અને વુડી બાયોમાસમાંથી બનાવવામાં આવે છે.