સત્ય. સાહસ. સંકલ્પ.

કર્ણાટકના CMનો આરોપ: પેટ્રોલમાં 20%ના બદલે 31% ઈથેનોલ, એન્જિન બંધ થવાની ફરિયાદ

કર્ણાટકના CMનો આરોપ: પેટ્રોલમાં 20%ના બદલે 31% ઈથેનોલ, એન્જિન બંધ થવાની ફરિયાદ

કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પેટ્રોલમાં નિયત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ ભેળસેળને કારણે હજારો વાહનોમાં એન્જિન વારંવાર બંધ થઈ જવા અને માઈલેજ ઘટવા જેવી સમસ્યાઓ સામે આવી રહી છે.

શિવકુમારે જણાવ્યું કે રાજ્ય સરકારે 67 સ્થળો પરથી પેટ્રોલના નમૂના એકત્ર કર્યા છે અને નિયત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ હોવાની ફરિયાદો અંગે તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું, “વાહનોના એન્જિન વારંવાર બંધ થઈ રહ્યા છે અને માઈલેજ ઘટી ગયું છે. સરકારની તપાસનું આશરે 30% કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારને આ તમામ સ્થળોની વિગતો મોકલી આપવામાં આવી છે અને સોમવારે રાજ્યના મંત્રી સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને વિગતવાર આંકડા જાહેર કરશે.”

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે આ વધારાની ભેળસેળ તેલ સપ્લાય દરમિયાન નહીં, પરંતુ સીધા પેટ્રોલ પંપો પર જ કરવામાં આવી રહી છે. ઈથેનોલ સસ્તું મળતું હોવાથી વધુ નફો કમાવવાના હેતુથી આ ગેરરીતિ કરવામાં આવી રહી હોવાનો તેમનો દાવો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પાસે આ અંગે દસ્તાવેજી પુરાવા છે અને જનતાને જાગૃત કરવી જરૂરી છે.

આ વિવાદ કર્ણાટક સરકાર અને જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે સામે આવ્યો છે. અગાઉ રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રિઝવાન અરશદે જણાવ્યું હતું કે બેંગલુરુ, કોલાર, ચિક્કાબલ્લાપુરા, રામનગર, મંગલુરુ અને તુમકુરુ સહિત સાત સ્થળો પરથી લેવાયેલા નમૂનાઓની ચકાસણીમાં ઈથેનોલનું પ્રમાણ 31.2% સુધી નોંધાયું હતું, જ્યારે સરકારી નિયમો હેઠળ મહત્તમ મર્યાદા 20% (E20) હોવી જોઈએ.

બીજી તરફ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) એ સંયુક્ત નિવેદન બહાર પાડીને આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. કંપનીઓનું કહેવું છે કે તેમના દ્વારા સપ્લાય કરવામાં આવતું પેટ્રોલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના E20 ધોરણોને અનુરૂપ છે. તેમણે રાજ્ય સરકારની ઓક્ટોબર મહિનાની સેમ્પલિંગ અને ટેસ્ટિંગ પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે, જે થર્ડ-પાર્ટી લેબ રિપોર્ટ્સ પર આધારિત હોવાનું જણાવ્યું છે.