પંજાબના રાજપુરા નજીક સરાઈ બંજારા પાસે ચાલુ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર કોચમાં ભીષણ આગ લાગી હતી. આગ ચાલુ ટ્રેનમાં લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા.
ઘટનાસ્થળના વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના ચાર કોચ આગની લપેટમાં આવી ગયા હતા. આગ અને ધુમાડાને કારણે ઘણા મુસાફરોએ જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ધુમાડાને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
આ ઘટનામાં કેટલાક મુસાફરો દાઝી ગયા હોવાના અહેવાલ છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગ કયા કારણોસર લાગી, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના તપાસનો વિષય છે.