દુનિયા ફરવાનું ઘણા લોકો સપનું જુએ છે, પણ બહુ ઓછા લોકો તેને પૂરું કરી શકે છે. બ્રિટનના 57 વર્ષીય પૂર્વ સૈનિક કાર્લ બુશબીએ આ સપનાને સાકાર કરીને બતાવ્યું છે. તેમણે 1998માં પગપાળા દુનિયા ફરવાની શરૂઆત કરી હતી અને 28 વર્ષમાં 29 દેશો પાર કરીને લગભગ 58,000 કિલોમીટરની યાત્રા પૂરી કરી છે. હવે તેઓ પોતાના વતન ઈંગ્લેન્ડ પરત ફરી ચૂક્યા છે અને માતાના ઘરે પહોંચવા માટે અંતિમ પગથિયું ભરી રહ્યા છે.
કાર્લના જીવનનો માર્ગ 1990ના દાયકામાં તેમના પિતાએ આપેલા જન્મદિવસના કાર્ડથી બદલાયો. આ કાર્ડમાં બે સૈનિકો વચ્ચે લંડનથી ન્યૂ યોર્ક સુધી બેરિંગ સ્ટ્રેટ દ્વારા પગપાળા યાત્રા કરવા વિશેની ચર્ચા દર્શાવાઈ હતી. આ વાતે કાર્લના મન પર ઊંડી અસર કરી. તેમણે દુનિયાનો નકશો લીધો અને એક છેડાથી બીજા છેડા સુધીનો રસ્તો દોર્યો. તેમને લાગ્યું કે આ જ પડકાર છે જે તેમણે જીવનમાં પૂરો કરવો છે.
અગાઉ કાર્લ બ્રિટિશ આર્મીમાં પેરાટ્રૂપર તરીકે સેવા આપી ચૂક્યા હતા. સેના છોડ્યા પછી, 1 નવેમ્બર 1998ના રોજ તેમણે દક્ષિણ અમેરિકાના દેશ ચિલીથી પોતાની સફર શરૂ કરી. તે સમયે તેમના ખિસ્સામાં ફક્ત થોડાક ડોલર હતા. તેમનો અંદાજ હતો કે તેઓ 12 વર્ષમાં ઘરે પાછા ફરશે, પરંતુ રસ્તામાં આવેલા સંજોગોએ તેમની યોજનાઓ બદલી નાખી.
ચિલીથી શરૂ કરીને કાર્લ ઉત્તર તરફ આગળ વધ્યા અને દક્ષિણ અમેરિકા તથા સેન્ટ્રલ અમેરિકાના ખતરનાક જંગલો (જેમ કે ડેરિયન ગેપ) પસાર કરીને અમેરિકા પહોંચ્યા. ત્યારબાદ અલાસ્કા પહોંચીને રશિયા જવા માટે તેમણે બેરિંગ સ્ટ્રેટનો સમુદ્ર બરફથી જામી જાય તેની રાહ જોઈ અને તેને પગપાળા પાર કર્યો. આવું સાહસ કરનારા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા. જો કે, એપ્રિલ 2012માં રશિયાએ તેમને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. હાર ન માનીને કાર્લ વોશિંગ્ટન સ્થિત રશિયન દૂતાવાસ સુધી ચાલીને ગયા અને પ્રતિબંધ હટ્યા બાદ યાત્રા ચાલુ રાખી.
રશિયાથી આગળ વધીને તેઓ મોંગોલિયા અને ચીન ગયા. ત્યારબાદ કઝાકિસ્તાનથી કેસ્પિયન સમુદ્ર પાર કરીને અઝરબૈજાન અને પછી યુરોપના દેશોમાં પ્રવેશ કર્યો. આ લાંબા સમય દરમિયાન આર્થિક કટોકટી, વિઝા પ્રતિબંધો, યુદ્ધ, દેશો વચ્ચેના રાજકીય તણાવ અને COVID-19 રોગચાળા જેવી સ્થિતિએ તેમની યાત્રા વારંવાર અટકાવી. સરકારી પ્રક્રિયાઓ અને મુસાફરી પ્રતિબંધોને કારણે તેમનો ઘણો સમય બગડ્યો. જો કે, કાર્લે પોતાના આયોજિત રૂટ અને નિયમો પર કોઈ સમાધાન ન કર્યું, અને તેથી જ 12 વર્ષ ચાલનારી આ મુસાફરીમાં 28 વર્ષ લાગી ગયા.
આ અનોખી યાત્રામાં કાર્લ હંમેશા પોતાની સાથે એક ખાસ વસ્તુ રાખતા હતા. તે કોઈ માણસ કે પ્રાણી નહીં, પરંતુ એક કસ્ટમાઇઝ્ડ ગોલ્ફ ટ્રોલી હતી, જેને તેમણે ‘બીસ્ટ’ નામ આપ્યું હતું. આ ટ્રોલીમાં ખોરાક, કેમ્પિંગ ગિયર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ભારે પરિસ્થિતિમાં જરૂરી અન્ય આવશ્યક વસ્તુઓ રહેતી હતી. તેમની પહેલી ટ્રોલી 3 વર્ષની મુસાફરી પછી તૂટી ગઈ. ત્યારબાદ નિકારાગુઆમાં તેમણે બીજી ટ્રોલી બનાવી, જેને ‘બીસ્ટ 2’ નામ આપ્યું. આ ટ્રોલી લગભગ 25 વર્ષ સુધી તેમની સાથે રહી અને સામાન ખેંચવા માટે અમૂલ્ય સાબિત થઈ.