સત્ય. સાહસ. સંકલ્પ.

કરજણ NH-48 પર CNG ભરતી વખતે કારમાં બ્લાસ્ટ, ચમત્કારિક બચાવ, CCTVમાં ફુરચા ઉડતા કેદ

કરજણ NH-48 પર CNG ભરતી વખતે કારમાં બ્લાસ્ટ, ચમત્કારિક બચાવ, CCTVમાં ફુરચા ઉડતા કેદ

કરજણ: નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક જિંદાલ કંપની સામે આવેલા પેટ્રોલ-સીએનજી પંપ પર બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કારમાં સીએનજી ભરતી વખતે અચાનક પ્રચંડ ધડાકા સાથે ગેસ ટેન્ક ફાટી ગઈ હતી. આ ભયાનક વિસ્ફોટમાં કારના પાછળના ભાગના ફુરચા ઉડી ગયા હતા, જે CCTV કેમેરામાં કેદ થઈ ગયું છે.

મળતી માહિતી મુજબ, એક કારચાલક પોતાની સીએનજી ગાડીમાં ગેસ પુરાવવા માટે પંપ પર ઊભો હતો. પંપ કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો અને કારની આગળ બે લોકો ઊભા હતા, ત્યારે જ અચાનક કોઈ ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી. વિસ્ફોટથી કારના પાછળના ભાગને ભારે નુકસાન થયું હતું. બ્લાસ્ટનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

રાહતની વાત એ છે કે, નિયમ મુજબ સીએનજી પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી. કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જો કે, વિસ્ફોટના કારણે અન્ય બે વાહનોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ધડાકાની માહિતી મળતાં જ કરજણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કોઈ આગ કે કેમિકલ સ્પાર્ક ન થાય તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી પંપ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વાહનચાલકોમાં સીએનજી સિલિન્ડરની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.