ટીવી અને બોલિવુડ અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેમના પતિ વરુણ બંગેરા હવે માતા-પિતા બન્યા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 30 જુલાઈએ તેમના ઘરે દીકરાએ જન્મ લીધો હતો. ત્યારબાદથી ચાહકો દીકરાના નામ અને ઝલકની રાહ જોઈ રહ્યા હતા.
હવે જન્માષ્ટમીના પવિત્ર અવસર પર કરિશ્માએ પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે, જેમાં તેમના અને તેમના પતિના હાથ વચ્ચે દીકરાના નાનકડા હાથ જોવા મળે છે. આ ફોટો સાથે તેમણે લખ્યું છે કે, 'કાન્હાના આશીર્વાદથી અમે અમારા જીવનના ચમત્કારનો પરિચય કરાવી રહ્યા છીએ.'
કરિશ્મા અને વરુણે દીકરાનું નામ 'વેદ તન્ના બંગેરા' રાખ્યું છે. નામના અર્થ વિશે અભિનેત્રીએ જણાવ્યું કે 'વેદ' એટલે પવિત્ર જ્ઞાન, બુદ્ધિ અને પ્રકાશનું પ્રતીક. આ નામ તેમણે ખૂબ જ વિચારીને પસંદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે કરિશ્માએ એપ્રિલમાં પોતાની ગર્ભાવસ્થાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. આ દરમિયાન તેમના મેટરનિટી લુક્સની ઘણી ચર્ચા થઈ હતી. 30 જુલાઈએ તેમણે બાળકના જન્મની ખબર આપતા બાળકના પગની તસવીર પોસ્ટ કરી હતી. આ દંપતી માટે આ તેમનું પહેલું બાળક છે.