સત્ય. સાહસ. સંકલ્પ.

કરીનાની ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળી નહીં કરે, આતિશ કાપડિયા સૂત્ર સંભાળશે

કરીનાની ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળી નહીં કરે, આતિશ કાપડિયા સૂત્ર સંભાળશે

મુંબઈ: અભિનેત્રી કરીના કપૂર સંજય લીલા ભણશાળીના બેનર હેઠળની એક ફિલ્મમાં કામ કરશે. જોકે, આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળી પોતે નહીં કરે. આ પ્રોજેક્ટના દિગ્દર્શનની જવાબદારી 'ખીચડી' ફેમ આતિશ કાપડિયાને સોંપવામાં આવી છે. સંજય લીલા ભણશાળી આ ફિલ્મના નિર્માતા તરીકે રહેશે.

સંજય લીલા ભણશાળી હાલ તેમની બહુચર્ચિત ફિલ્મ 'લવ એન્ડ વોર'ના કામમાં વ્યસ્ત છે. તે પૂર્ણ થયા બાદ તેઓ આ નવા પ્રોજેક્ટનું પ્રિ-પ્રોડક્શન શરૂ કરશે. આમ, ઘણા વર્ષો બાદ કરીનાને ભણશાળીના બેનર નીચે કામ મળ્યું છે, પરંતુ તે તેમના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં જોવા મળશે નહીં.

આતિશ કાપડિયા ટેલિવિઝનના જાણીતા લેખક-દિગ્દર્શક છે. તેમણે 'ખીચડી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' અને 'બા બહુ ઔર બેબી' જેવા લોકપ્રિય કોમેડી શો બનાવ્યા છે. વર્ષ 2010માં તેમની ફિલ્મ 'ખીચડી: ધ મૂવી' પણ રજૂ થઈ હતી.

નોંધનીય છે કે સંજય લીલા ભણશાળીએ પહેલીવાર શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'દેવદાસ'માં કરીનાને લેવાની તૈયારી કરી હતી. ત્યારબાદ 2013માં પણ તેમણે કરીના સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. તે વખતે 'ગોલિયોં કી રાસલીલા - રામલીલા' માટે કરીનાની પસંદગી થઈ હતી, પરંતુ કરાર અને સમયપત્રકમાં મતભેદો સર્જાતાં છેલ્લી ઘડીએ તેમના સ્થાને દીપિકા પદુકોણને લીધા હતા.