ભારતમાં નવરાત્રી દરમિયાન ગરબા, દાંડિયા અને માતાજીની ભક્તિનો માહોલ ચારેય તરફ જોવા મળે છે. પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમુદાય આ તહેવાર કેવી રીતે ઉજવે છે? આ સવાલનો જવાબ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ આપ્યો છે.
કરાંચી શહેરમાંથી નવરાત્રી ઉજવણીના આ વીડિયો સામે આવ્યા છે, જેમાં પૂજા-અર્ચના, ગરબા અને ભંડારાની ઝલક જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં જાણીતી સિંધી કન્ટેન્ટ ક્રિએટર ‘મુન્જી ગલ્હિયુન’ (@munji_galhiyun) કરાંચીમાં આવેલા પ્રખ્યાત શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરે પહોંચતી નજરે પડે છે. તે ખુલ્લા પગે મંદિરમાં પ્રવેશ કરે છે, માતાજીના દર્શન અને વિધિવત પૂજા-અર્ચના કરે છે. ત્યારબાદ તે ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે ગરબે ઘૂમતી જોવા મળે છે. ભક્તો ‘જય માતા દી’ના જયઘોષ સાથે ભક્તિભાવમાં લીન દેખાય છે.
મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભજન-કીર્તન અને ગરબાનો આનંદ માણતા જોવા મળે છે. પૂજા અને રાસ-ગરબા બાદ ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દાળ-ભાત અને પાપડ જેવા પરંપરાગત ભોજનનો પ્રસાદ ભક્તોને પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યો હતો. માતાજીની પ્રતિમા સામે શ્રદ્ધાળુઓની ભીડ અને ભક્તિમય વાતાવરણ સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે.
આ વીડિયો સામે આવ્યા બાદ ભારત સહિત વિશ્વભરના નેટિઝન્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક યુઝર્સે પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. કેટલાકે સરહદોથી પર બંને દેશો વચ્ચેની સમાન સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય મુખ્યત્વે સિંધ પ્રાંતમાં વસવાટ કરે છે. કરાંચી પણ સિંધનો જ એક ભાગ છે અને ત્યાં ઘણા ઐતિહાસિક હિન્દુ તીર્થસ્થળો આવેલા છે. તેથી નવરાત્રી, દિવાળી કે હોળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન કરાંચીના મંદિરોમાં યોજાતા ધાર્મિક ઉત્સવો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.