સત્ય. સાહસ. સંકલ્પ.

કપરાડાના નિલોશી ગામમાં શાળા આચાર્યનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં ઓનલાઈન કામના ભારણનો ઉલ્લેખ

કપરાડાના નિલોશી ગામમાં શાળા આચાર્યનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં ઓનલાઈન કામના ભારણનો ઉલ્લેખ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકરભાઈ જાદવે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તેમના મૃત્યુને લઈને સ્થાનિક શિક્ષણજગતમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, મૂળ કપરાડા તાલુકાના વરવઠ ગામના વતની શંકરભાઈ જાદવે સવારે પોતાના ઘરની નજીક આવેલા ખેતરમાં ગળે ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. કપરાડા પોલીસ, સ્થાનિક આગેવાનો અને આસપાસના ગામોના શિક્ષકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં શંકરભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે શાળાના શૈક્ષણિક કામની સાથે ઓનલાઈન કામગીરીનું ભારણ એટલું વધી ગયું હતું કે તે સતત માનસિક તાણમાં રહેતા હતા. આ દબાણના કારણે જ તેમણે આત્યંતિક પગલું ભરવું પડ્યું હોવાનું નોંધમાં જણાવ્યું છે.

ઘટના સામે આવતાં શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જોકે સ્યુસાઇડ નોટમાં કારણ સ્પષ્ટ હોવા છતાં વિભાગના કેટલાક અધિકારીઓ ઘટનાની વિગતોથી અજાણ હોવાની અને માત્ર ઔપચારિક તપાસ કરી રહ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તથા પોલીસની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

શંકરભાઈ જાદવના અવસાનથી કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સ્થાનિક શિક્ષકોમાં રોષ છે. શિક્ષકોનો આક્ષેપ છે કે શૈક્ષણિક કામ કરતાં બિનશૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીનું ભારણ વધી જવાથી શિક્ષકો પર માનસિક દબાણ વધ્યું છે. નિલોશી અને વરવઠ ગામના લોકોએ તથા શિક્ષકોએ પ્રકરણની પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરી છે. સ્યુસાઇડ નોટમાં જણાવેલા કારણોને ગંભીરતાથી લઈને કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.