સત્ય. સાહસ. સંકલ્પ.

કપિલ દેવે વૈભવને ચેતવ્યો: સચિન બનવું છે કે કાંબલી? પૈસા અને પાર્ટીઓથી દૂર રહો

કપિલ દેવે વૈભવને ચેતવ્યો: સચિન બનવું છે કે કાંબલી? પૈસા અને પાર્ટીઓથી દૂર રહો

ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની 15 વર્ષની ઉંમરે તેની વિસ્ફોટક બેટિંગથી સૌ કોઈ દીવાના છે. હવે ભારતના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ તેની પ્રશંસા કરી છે, પરંતુ સાથે જ ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ ચેતવણી પણ આપી છે.

કપિલ દેવે કહ્યું કે વૈભવમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ તેને હજુ પૂરતી તકો મળી નથી. તે ભારતીય ટીમનો હિસ્સો છે, છતાં તેને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે વધુ મેચ અને સમય આપવાની જરૂર છે. આજકાલ દર્શકોને આક્રમક ક્રિકેટ ગમે છે અને વૈભવ તેની ઉંમરમાં જ ચોગ્ગા-છગ્ગા ફટકારે છે, જે વડીલોથી લઈને યુવાનો સુધી સૌને ગમે છે.

કપિલ દેવે વૈભવને સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનું ઉદાહરણ આપીને ચેતવ્યો. તેમણે કહ્યું, “15 વર્ષની ઉંમરે તેના મગજમાં માત્ર ક્રિકેટ જ છે. પરંતુ જ્યારે તે 18-19 વર્ષનો થશે, ત્યારે પાર્ટીઓ, પ્રસિદ્ધિ અને અન્ય બાબતો સામે આવશે. તે સચિન તેંડુલકર બનશે કે વિનોદ કાંબલી, તે અત્યારે કહેવું મુશ્કેલ છે.”

કપિલ દેવે યાદ અપાવ્યું કે સચિન અને કાંબલી બંને અત્યંત પ્રતિભાશાળી હતા, પરંતુ સચિને કડક અનુશાસન અને અથાગ પરિશ્રમથી લાંબી કારકિર્દી બનાવી, જ્યારે કાંબલીનું કરિયર લાંબુ ચાલી શક્યું નહોતું. તેમણે વૈભવને સલાહ આપી કે આ ઉંમરે પૈસાની વાતો પણ શરૂ થાય છે, પરંતુ તેણે બીજી કોઈ વસ્તુ વિશે વિચાર્યા વિના માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તેને હજુ લાંબી મજલ કાપવાની છે.