સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં ગાંધીજીના પૌત્ર કનુ ગાંધીની 30 એકર જમીન 20 મહિનાની કાનૂની લડાઈ બાદ પરત

અમેરિકામાં ગાંધીજીના પૌત્ર કનુ ગાંધીની 30 એકર જમીન 20 મહિનાની કાનૂની લડાઈ બાદ પરત

મહાત્મા ગાંધીની દાંડી કૂચ સમયે લાકડી પકડીને તેમની સાથે ચાલતા બાળકનું ચિત્ર આજે પણ દેશ-વિદેશમાં ઓળખાય છે. એ બાળક હતા કનુ રામદાસ ગાંધી, ગાંધીજીના પૌત્ર અને નાસાના પૂર્વ વૈજ્ઞાનિક. તેમનું વર્ષ 2016માં સુરતમાં 87 વર્ષની વયે અવસાન થયું. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી કોઈને ખ્યાલ નહોતો કે અમેરિકામાં તેમના નામે લગભગ 30 એકરની કીમતી જમીન પડી છે. હવે અમેરિકાની અદાલતમાં 20 મહિના સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આ જમીન પરથી દબાણ દૂર થવાનો રસ્તો મળ્યો છે.

ડૉ. કનુ ગાંધીએ MITમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ નાસા અને અમેરિકાના સંરક્ષણ વિભાગમાં દાયકાઓ સુધી એડવાન્સ એરક્રાફ્ટ ડિઝાઇનિંગમાં કામ કર્યું. તેમના પત્ની ડૉ. શિવા ગાંધી બોસ્ટનની બાયોમેડિકલ રિસર્ચ સંસ્થામાં પ્રોફેસર અને સંશોધક હતા. નિવૃત્તિ પછાના શાંત જીવન માટે આ દંપતીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. નજીક વર્જિનિયા રાજ્યની વોરેન કાઉન્ટીમાં ફ્રન્ટ રોયલ શહેરના જોય સ્પ્રિંગ વિસ્તારમાં 30.76 એકર જમીન સંયુક્ત નામે ખરીદી હતી. આ જમીન શેનાન્ડોહ નેશનલ પાર્કને અડીને આવેલી હતી.

પાછલી ઉંમરે વતનની ઓથ લાગતાં તેમણે ભારત પરત ફરવાનું નક્કી કર્યું અને 2013-14માં કાયમ માટે ભારત આવી ગયા. ભારતમાં તેઓ દિલ્હી અને પછી સુરત નજીક મરોલીના કસ્તૂરબા આશ્રમ તથા વૃદ્ધાશ્રમમાં અત્યંત સાદું જીવન જીવ્યા. તેમણે જીવનભર પોતાની આ મિલકત વિશે કોઈને કંઈ કહ્યું નહીં. અમેરિકામાં પડેલી આ જમીન 38-39 વર્ષ સુધી વારસદાર વિનાની પડી રહી. દેખરેખ કરનાર કોઈ ન હોવાથી સ્થાનિક શિકારી ગ્રેગરી ઈ. બ્લેકે ધીમે ધીમે જમીન પર કબજો કરી લીધો. તેણે જમીન પર શિકાર માટે ટ્રી-સ્ટેન્ડ, રસ્તા અને કલવર્ટ બનાવ્યા અને પોતાનું નાનું લાકડાનું મકાન પણ બનાવી લીધું.

વર્ષ 2013માં કસ્તૂરબા સેવાશ્રમ મરોલીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા સુરતના જાણીતા કેળવણીકાર પરિમલ ગુણવંતરાય દેસાઈના સંપર્કમાં કનુભાઈ તેમના બહેન ઉષાબેન ગોકાણી મારફતે આવ્યા હતા. પછી કનુભાઈ અને શિવાબેન સુરત આવ્યા અને આઈ.જી. દેસાઈ સર્વોદય સ્કૂલમાં બાળકો સાથે સમય વિતાવતા પરિમલભાઈ સાથે ગાઢ રીતે જોડાયા. પરિમલ દેસાઈ કહે છે, "કનુભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અમે રોજ સાથે ભોજન લેતા અને કલાકો સુધી ચર્ચા કરતા, પણ તેમણે ક્યારેય અમેરિકાની કોઈ મિલકતની વાત કરી નહોતી."

વર્ષ 2018માં શિવાબેને પરિમલભાઈને બોલાવીને કહ્યું કે ન્યુમેરોલોજી પ્રમાણે તેમનું વર્ષ 2020માં નિધન નિશ્ચિત છે, તેથી સમય ઓછો છે. તેમણે લેપટોપ અને ગુપ્ત દસ્તાવેજો સોંપીને અમેરિકાની જમીન વિશે વાત કરી અને કોઈને ન કહેવા જણાવ્યું, કારણ કે તેમને ડર હતો કે લોકો જાણશે તો તેનો ગેરલાભ ઉઠાવશે. કોવિડકાળમાં વર્ષ 2020માં તેમનું પણ અવસાન થયું. ભારત અને અમેરિકાની અદાલતમાં પ્રોબેટની પ્રક્રિયા અને સામેવાળા પક્ષની ધમકીભરી નોટિસ વચ્ચે આ કેસ લાંબો ચાલ્યો. આખરે 20 મહિનાની જટિલ કાનૂની લડાઈ બાદ જમીન પરત મેળવવાની દિશામાં મોટી સફળતા મળી છે.