સત્ય. સાહસ. સંકલ્પ.

કાનપુરની ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્ક ફાટતાં ભીષણ આગ, બે શ્રમિકોના મોત

કાનપુરની ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્ક ફાટતાં ભીષણ આગ, બે શ્રમિકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારમાં આવેલી એક ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્ક ફાટવાને કારણે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં બે શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારના જરિહા ગામમાં આવેલી ઓમ જેવીઆરડી ટાયર ફેક્ટરીમાં સાંજે લગભગ 5:50 વાગ્યે આ ઘટના બની હતી.

કાનપુર દેહાતના ચીફ ફાયર ઓફિસર પ્રતીક શ્રીવાસ્તવે જણાવ્યું કે, માતી ફાયર સ્ટેશનને ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ફેક્ટરીમાં જૂના ટાયરોને પ્રોસેસ કરીને તેમાંથી ઓઈલ કાઢવામાં આવે છે. પ્લાન્ટમાં ઓઈલ સ્ટોરેજ માટે બે મોટી ટેન્ક આવેલી છે, જેમાંથી એક ટેન્કમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમે પહેલા પાણીનો છંટકાવ કર્યો અને ત્યારબાદ સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો ઉપયોગ કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ કાનપુર દેહાતના એસપી શ્રદ્ધા નરેન્દ્ર પાંડે, એડિશનલ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ વડાએ પુષ્ટિ કરી હતી કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની કાનૂની પ્રક્રિયા માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ હોવાની માહિતી નથી.

દુર્ઘટના બાદ પોલીસે ફેક્ટરી માલિક અને ડ્યુટી મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા છે. ફેક્ટરીમાં સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન થતું હતું કે નહીં અને ટેન્કમાં બ્લાસ્ટ કયા ચોક્કસ કારણોસર થયો તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે ઘટનાસ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે.