કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં આવેલા ઈન્દિરાનગર સ્થિત રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બરની રાત્રે થયેલી દવા વેપારી વિનીત મિનોચા (63)ની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સટ્ટો અને કેસિનો રમવાની લતને કારણે 40 લાખ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલા પુત્ર સુબ્રત મિનોચાએ જ પોતાના પિતાની હત્યા કરાવી હતી. પોલીસે મુખ્ય આરોપી પુત્ર સુબ્રતની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિનીત મિનોચા પોતાના પુત્ર સુબ્રતને દર મહિને 40 હજાર રૂપિયા પોકેટમની તરીકે આપતા હતા. આમ છતાં સુબ્રત કેસિનો અને સટ્ટાબાજીની લતમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેના માથે આશરે 40 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પિતા દ્વારા વારંવાર ટોકવામાં આવતા અને પૈસા બાબતે નિયંત્રણો લાદવામાં આવતા સુબ્રત ભારે પરેશાન રહેતો હતો. આખરે તેણે વિશાલ ગૌતમ અને રાજકિશોર નામના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચ્યું અને શૂટરો મારફતે પિતાની હત્યા કરાવી દીધી.
સુબ્રતે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેના પિતાના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને તેઓ કોઈને પણ ઘરમાં લાવીને કરોડોની સંપત્તિ પોતાના હાથમાંથી છીનવી શકે તેમ હતા. બીજી તરફ, પુત્રવધૂ શાલૂએ પતિને નિર્દોષ ગણાવીને પોતાને જેલમાં લઈ જવાની વિનંતી કરી હતી. જોકે, હત્યારા પકડાય તો પુત્રવધૂને ફસાવી દેવાની યોજના હોવાની વિગતો પણ સામે આવી છે. તપાસ દરમિયાન એ પણ સ્પષ્ટ થયું છે કે હત્યાના દિવસે ફ્લેટનું તાળું ડુપ્લિકેટ ચાવીથી નહીં પણ અસલ ચાવીથી ખોલવામાં આવ્યું હતું, જે ચાવી સુબ્રતે જ શૂટરોને આપી હતી.
આ સમગ્ર કેસમાં કલ્યાણપુર પોલીસની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે. ઘટના બાદ આરોપી સુબ્રત રૂમમાં આશરે 15 મિનિટ સુધી કોઈપણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વિના એકલો ઊભો રહ્યો હતો અને ફ્લેટના બંને દરવાજા પર એક પણ પોલીસકર્મી તહેનાત નહોતો. આટલી મોટી ચૂક અને ઢીલા વલણને જોઈને ડીસીપી કાસિમ આબિદીએ ઈન્સ્પેક્ટર કેશવ તિવારીનો જોરદાર ઉધડો લીધો હતો.
5 સપ્ટેમ્બરની મોડી રાત્રે એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર સી-104માં વિનીત મિનોચા પર તીક્ષ્ણ હથિયાર વડે 18થી વધુ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે પોતે શંકાના દાયરામાં ન આવે તે માટે સુબ્રત પત્ની સાથે બહાર પાર્ટી કરવાનો ઢોંગ કરીને નીકળી ગયો હતો. જોકે, એપાર્ટમેન્ટની ગેલેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક જૂનો કર્મચારી સહિત બે અજાણ્યા શખ્સો ફ્લેટમાં પ્રવેશતા કેદ થઈ ગયા હતા. પોલીસે આ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરતાં આખી હત્યાકાંડની કડીઓ જોડાઈ ગઈ અને કાવતરા પાછળ રહેલા મુખ્ય આરોપી પુત્ર સુબ્રતનો ચહેરો ખુલ્લો પડી ગયો.