અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 'વિઝન ઓવર કાંકરિયા' હેઠળ બર્ડ વોચિંગ અને શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. શુક્રવારે (9 ઓક્ટોબર) મળેલી રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં બાયનોક્યુલરનું ભાડું પ્રતિ નંગ 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
જોકે, કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો પાસેથી સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને પ્રતિ વ્યક્તિ 30 રૂપિયા ફી વસૂલવાનો પ્રસ્તાવ હજુ મંજૂર થયો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી કમિટીમાં રજિસ્ટ્રેશન ફીનો મુદ્દો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
બર્ડ વોચિંગ દરમિયાન બાયનોક્યુલરનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં. જે વ્યક્તિ કે ગ્રૂપ બાયનોક્યુલર લેવા ઇચ્છે તો પ્રતિ નંગ 50 રૂપિયા ભાડું ચૂકવીને લઈ શકશે. જેઓ બાયનોક્યુલર ન લેવા ઇચ્છે તેમના પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
'વિઝન ઓવર કાંકરિયા' કાર્યક્રમનો હેતુ પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ, ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પક્ષીઓની ઓળખ, તેમના માળા અને બચ્ચાં વિશે માહિતી આપવાનો છે. સાથે જ વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનું પણ આયોજન છે.
કાંકરિયામાં દર વર્ષે 30 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી બર્ડ વોચર ગ્રૂપ સાથે અઠવાડિયામાં બે-ત્રણ વખત બર્ડ વોચિંગની પ્રવૃત્તિઓ યોજાતી હતી, જેમાં પક્ષીઓની ઓળખ, માળા અને બચ્ચાંની સંખ્યા સહિતની માહિતી આપવામાં આવતી હતી. હવે આ પ્રવૃત્તિને વધુ વ્યવસ્થિત શૈક્ષણિક કાર્યક્રમના સ્વરૂપમાં આગળ વધારવાની યોજના છે.
કાર્યક્રમ માટે બાયનોક્યુલર સહિતના સાધનો પાછળ અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કાર્યક્રમના અમલીકરણ માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારી અને તેમના હેઠળ કામ કરતા ઝૂ ગાઇડની મદદ લેવામાં આવશે. તેમના માર્ગદર્શન હેઠળ પક્ષીઓની ઓળખ અને સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવશે. જોકે, કાર્યક્રમનો અમલ, રજિસ્ટ્રેશન ફી અને અંતિમ વ્યવસ્થા સંબંધિત મંજૂરીઓ બાદ જ આગળ વધશે.