અમદાવાદના કાંકરિયા તળાવ ખાતેની ટોય ટ્રેનના સંચાલન અને જાળવણી અંગેની વિવાદિત દરખાસ્તમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કામગીરી 15 વર્ષ સુધી એક જ એજન્સીને સોંપવાની દરખાસ્ત હતી, જે હવે ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ ખોડલ કોર્પોરેશનને પ્રથમ 10 વર્ષ અને ત્યારબાદ વધુ પાંચ વર્ષ માટે કામ સોંપવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ કરારમાં વાર્ષિક 1.27 કરોડ રૂપિયા (માસિક 10.59 લાખ રૂપિયા) ભાડું નક્કી કરાયું હતું. જોકે, લાંબા ગાળા દરમિયાન ભાડામાં કોઈ વધારો કરવાની જોગવાઈ ન હોવાથી પ્રશ્નો ઉઠ્યા હતા.
સામાન્ય રીતે કોર્પોરેશન પ્લોટ કે પાર્કિંગની જગ્યા ભાડે આપે ત્યારે દર વર્ષે ભાડામાં વધારો કરવાની જોગવાઈ હોય છે. પરંતુ આ દરખાસ્તમાં ભાડું એકસમાન રાખવામાં આવ્યું હતું. રિક્રિએશન કમિટીએ એક મહિના પછી આ દરખાસ્તને મંજૂરી આપી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ દરખાસ્ત આવતાં તેમાં સુધારો કરવામાં આવ્યો અને હવે માત્ર પાંચ વર્ષ માટે જ કામ સોંપવાની મંજૂરી આપવામાં આવી છે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક પ્રક્રિયા મારફતે કામ સોંપી શકાય.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, કાંકરિયા તળાવ ખાતે 2008માં શરૂ થયેલી ટોય ટ્રેન 'અટલ એક્સપ્રેસ' અમદાવાદવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. અગાઉની ટ્રેન લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી આયાત કરવામાં આવી હતી. હવે આત્મનિર્ભર ભારતના ભાગરૂપે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી નવી ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે સ્વદેશી ટ્રેનોની ખરીદી માત્ર 3.59 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે. બંને ટ્રેનોનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પોલીસ વેરિફિકેશન સહિતની પ્રક્રિયા બાકી છે, જે પૂર્ણ થયા બાદ દિવાળીના તહેવારો દરમિયાન નવી ટ્રેનો અમદાવાદવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.