અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પર 15થી 16 વર્ષ જૂની ટોય ટ્રેન હવે બદલાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 3.54 કરોડના ખર્ચે બે નવી 'મેડ ઇન ઇન્ડિયા' ટ્રેન ખરીદી છે. આ ટ્રેનોમાંથી એકનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જ્યારે બીજી ટ્રેનનું ટ્રાયલ આવતા અઠવાડિયે લેવામાં આવશે.
કાંકરિયા લેકફ્રન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને ટ્રેનોના ટ્રાયલ પૂર્ણ થયા બાદ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે પોલીસ, એસ્ટેટ, લાઇટ, વર્કશોપ, રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ સહિત કુલ 16 વિભાગોની મંજૂરી લેવાની રહેશે. લોકોને હાલાકી ન થાય તે માટે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને એક જ સમયે સ્થળ પર બોલાવીને એકસાથે તપાસ અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કામગીરી દરમિયાન કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો લેકફ્રન્ટ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે.
નવી ટ્રેનોનું સંચાલન આગામી દોઢથી બે મહિનામાં શરૂ થવાની શક્યતા છે. કાંકરિયા કાર્નિવલ પહેલાં તેને શરૂ કરવાની તૈયારી છે.
કોર્પોરેશનને નવી ટ્રેનોના સંચાલનથી વર્ષે રૂ. 1.27 કરોડની આવકનો અંદાજ છે. આ ગણતરી પ્રમાણે લગભગ ત્રણ વર્ષમાં ટ્રેનની ખરીદી પાછળ થયેલો ખર્ચ વસૂલ થવાની શક્યતા છે. ગયા વર્ષે ટોય ટ્રેનના સંચાલનમાંથી કોર્પોરેશનને રૂ. 1.53 કરોડની આવક થઈ હતી.
નવી બંને ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે જૂની એજન્સી ખોડલ કોર્પોરેશનને જ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં આ એજન્સી એકમાત્ર ક્વોલિફાય થયેલી બિડર બની હતી. આ કરાર હેઠળ એજન્સી દર મહિને રૂ. 10.50 લાખ ચૂકવશે. હાલમાં પણ જૂની ટોય ટ્રેનનું સંચાલન અને મેન્ટેનન્સ ખોડલ કોર્પોરેશન સંભાળી રહી છે, જેને લઈને વિવાદ ઊભો થયો હતો.
કાંકરિયા લેકફ્રન્ટ પર હાલમાં દોડતી બંને જૂની ટોય ટ્રેનો વિદેશથી મંગાવવામાં આવી હતી, જ્યારે નવી ટ્રેનો વટવામાં બનાવવામાં આવી છે. જૂની ટ્રેનોની હાલની ઓફસેટ વેલ્યુ આશરે રૂ. 28.70 લાખ હોવાનું જણાવાયું છે.