સત્ય. સાહસ. સંકલ્પ.

કાંકરિયા પાળે 23 વર્ષ પછી ગરબા, 24મીએ મફત પ્રવેશ

કાંકરિયા પાળે 23 વર્ષ પછી ગરબા, 24મીએ મફત પ્રવેશ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 23 વર્ષ બાદ કાંકરિયા તળાવની પાળે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 'કાંકરિયાનો ગરબો' નામે આ રાસ-ગરબા આવતીકાલે, 24મીએ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમમાં 25 હજારથી વધુ લોકો જોડાવાની શક્યતા છે, જેમાં 1,000 દિવ્યાંગો માટે વિશેષ સ્થાન રાખવામાં આવ્યું છે. પ્રવેશ મફત રહેશે.

અત્યાર સુધી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જીએમડીસી મેદાનમાં લોકો માટે જાહેર ગરબાનું મોટા પાયે આયોજન થાય છે, પરંતુ પૂર્વ અમદાવાદમાં આવું કોઈ જાહેર આયોજન થતું નહોતું. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી શનિવારે 23 વર્ષના લાંબા અંતરાલ બાદ કાંકરિયા તળાવની પાળે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2003 પહેલાં કાંકરિયા ખાતે આ રીતે નવરાત્રિ યોજાતી હતી, જેને હવે ફરી જીવંત કરવામાં આવી રહી છે. આવતીકાલે તા. 24ના રોજ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી 'કાંકરિયાનો ગરબો' નામે રાસ-ગરબાનું ધામધૂમથી આયોજન કરાયું છે, જેમાં તમામ શહેરીજનોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.

સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, આ આયોજનમાં એક હજાર દિવ્યાંગોને સહભાગી બનાવીને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ અમદાવાદમાં એકપણ જગ્યાએ જાહેર નવરાત્રિ ન યોજાતી હોવાથી, આ ગરબામાં આશરે 25 હજારથી પણ વધારે શહેરીજનો ઉમટી પડે તેવી આશા સેવાઈ રહી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી દેવાઈ છે. આ ભવ્ય કાર્યક્રમમાં નાગરિકો માટે પુષ્પકુંજ તરફના ગેટ નં. 1 પરથી મુખ્ય પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરબાના મોંઘા પાસ ન ખરીદી શકતા સામાન્ય શહેરીજનો માટે આ 'કાંકરિયાનો ગરબો' માતાજીની ભક્તિ સાથે મનોરંજન મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ કાર્યક્રમ માટે ગરબા ક્ષેત્રના જાણીતા અને નામાંકિત કલાકારોને ખાસ બોલાવવામાં આવ્યા છે. જો આ શનિવારનું આયોજન સફળ રહેશે તો જીએમડીસી ગ્રાઉન્ડની માફક જ પૂર્વના શહેરીજનો માટે પણ આવતા વર્ષથી કાંકરિયા તળાવની પાળે આખા નવ દિવસ સુધી ગરબા યોજવાની વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.