બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તમિલ અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, સંબંધ ભલે બંને પક્ષો વચ્ચે હોય, છતાં તેના માટે મહિલાને જ નિશાન બનાવવામાં આવે છે.
કંગનાએ આ નિવેદન તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે જોડાયેલી લિંક-અપ ચર્ચાઓ અને ત્રિશા પર થયેલી કથિત ટિપ્પણીના વિવાદ વચ્ચે આપ્યું છે. ગઈકાલે જ વિજયે આવી ટિપ્પણી કરનારાઓને કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી હતી.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પત્રકારો સાથે વાત કરતાં કંગનાએ કહ્યું, 'તમે તમિલનાડુમાં જે બન્યું તે જોયું હશે. ત્યાં એક ખૂબ જ સન્માનિત કલાકાર અને અભિનેત્રી છે. તેમના સંબંધો ગમે તેવા હોય, બંને પક્ષના હોય, પણ ગાળાગાળી અને ચારિત્ર્ય હનન માટે હંમેશા મહિલાને જ નિશાન બનાવવામાં આવે છે. મહિલાઓની કેરેક્ટર લિંચિંગ ક્યારે અટકશે?'
કંગનાએ કુલ્લુમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે, 'કામકાજી અને સફળ મહિલાઓને બદનામ કરવાની આ રીત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. દુનિયાભરમાં કામકાજી મહિલાઓ, સફળ મહિલાઓ, અભિનેત્રીઓ, રાજકારણીઓ અને સત્તા તથા અધિકારવાળા પદો પર બેઠેલી મહિલાઓના ચારિત્ર્યને નિશાન બનાવીને તેમને નીચા પાડવાનો પ્રયાસ થાય છે.'
આ વિવાદની શરૂઆત તમિલનાડુના વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની કથિત ડબલ મિનિંગ ટિપ્પણીને લઈને થઈ હતી. 3 ઓગસ્ટના રોજ તંજાવુરમાં કાવેરી જળ વિવાદ સંદર્ભે યોજાયેલા વિરોધ દરમિયાન ઉદયનિધિએ કથિત રીતે ટિપ્પણી કરી હતી. તે સમયે ભીડમાં 'ત્રિશા, ત્રિશા'ના નારા પણ લાગ્યા હતા. ઉદયનિધિએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો કાવેરીના પાણી તરફ હતો.
4 ઓગસ્ટે ચેન્નઈ પોલીસે ઉદયનિધિની અટકાયત કરીને 8 કલાક પૂછપરછ કરી હતી, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ તેમણે કહ્યું હતું કે, 'વિજયની પોલીસે મારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો. મેં કોઈ મહિલાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો નથી.'
બીજી તરફ, મુખ્યમંત્રી વિજયે સોમવારે વિધાનસભામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમની સરકારની પ્રાથમિકતા છે અને મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ભાષા સહન કરવામાં આવશે નહીં. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે, 'રાજકીય નેતાઓ અને અધિકારીઓએ પોલીસના કામમાં દખલ ન કરવી જોઈએ.'
ઉલ્લેખનીય છે કે, વિજય અને ત્રિશાએ સાથે લગભગ પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 2023માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'લિયો'નો પણ સમાવેશ થાય છે. 4 મેના રોજ તમિલનાડુ વિધાનસભાના પરિણામોના દિવસે ત્રિશા વિજયના ઘરે પહોંચી હતી, જેના કારણે ચર્ચાઓ થઈ હતી.