સત્ય. સાહસ. સંકલ્પ.

કંગના રનૌતે સોનિયા ગાંધી પર ઉઠાવ્યા સવાલો: ગાંધી પરિવારમાં મૃત્યુને 'મોટો સંયોગ' ગણાવ્યો

કંગના રનૌતે સોનિયા ગાંધી પર ઉઠાવ્યા સવાલો: ગાંધી પરિવારમાં મૃત્યુને 'મોટો સંયોગ' ગણાવ્યો

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સોનિયા ગાંધી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે સોનિયા ગાંધીના ગાંધી પરિવારમાં આવ્યા બાદ ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીનાં મૃત્યુને મોટો સંયોગ ગણાવ્યો છે. કંગનાએ ઈશારામાં સવાલ ઉઠાવ્યો કે આ ઘટનાઓ બાદ સોનિયા ગાંધી જ પરિવારમાં રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ દાવેદાર તરીકે બચ્યાં. આ પહેલાં પણ કંગના ઘણી વખત સોનિયા ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધી ચૂકી છે.

કંગનાએ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીર સાથે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું છે, 'ફિલ્મ ‘ઇમરજન્સી’ માટે મેં ભારતીય રાજકારણ અને ગાંધી પરિવાર પર ઘણું સંશોધન કર્યું હતું. આ દરમિયાન એક વાત મારી સમજની બહાર રહી. એક રહસ્યમય વિદેશી મહિલા ગાંધી પરિવારમાં આવે છે. ત્યારબાદ ઈન્દિરા ગાંધીની હત્યા થઈ જાય છે. પછી વડાપ્રધાન પદના સંભવિત દાવેદારો સંજય ગાંધી અને રાજીવ ગાંધીની પણ હત્યા થઈ જાય છે. આ ઘટનાઓ બાદ વડાપ્રધાન પદની દાવેદાર તરીકે માત્ર એક વ્યક્તિ બચે છે અને તે છે સોનિયા ગાંધી.'

આગળ તેમણે લખ્યું, ‘લોકોએ આ બાબત પર પણ ધ્યાન આપ્યું નહીં કે આટલા બધા સંયોગો એકસાથે કેવી રીતે બન્યા. તે વિદેશી મહિલા પર વિદેશી એજન્ડાને પ્રોત્સાહન આપવાના આરોપો લગાવવામાં આવતા રહ્યા, પરંતુ તેમ છતાં તેણે આતંકવાદીઓ માટે મગરનાં આંસુ વહાવ્યાં. તેમ છતાં તે દાયકાઓ સુધી દેશની સરકારનું નેતૃત્વ કરવામાં સફળ રહી. આ સિલસિલો 2014માં જઈને સમાપ્ત થયો.’

કંગનાનું આ નિવેદન સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના બજારમાં આવવા દરમિયાન સામે આવ્યું છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં સોનિયા ગાંધીનું બાળપણ, તેમના જીવનના પ્રારંભિક તબક્કા અને ભારતીય રાજકારણ સાથે જોડાવા સુધીની સફરનો ઉલ્લેખ છે.

કંગના અગાઉ પણ ગાંધી પરિવાર પર નિશાન સાધી ચૂકી છે. આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ ગાંધી પરિવારને લઈને ટિપ્પણી કરી હોય. આ પહેલાં પણ તે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને અનેક નિવેદનો આપી ચૂકી છે.

એપ્રિલ 2024: રાહુલ ગાંધીને ‘મહત્વાકાંક્ષી માતાનો શિકાર’ ગણાવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ રાહુલ ગાંધીને ‘મહત્વાકાંક્ષી માતાનો શિકાર’ ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકાને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યા, જ્યારે રાહુલને પોતાની પસંદગીની કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ હતી.

માર્ચ 2024: રાહુલ અને પ્રિયંકાને ‘નેપો કિડ્સ’ કહ્યા હતા. ટાઈમ્સ નાઉ સમિટમાં કંગનાએ કોંગ્રેસ પર પરિવારવાદ અને વંશવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધીને 'નેપો કિડ્સ' કહ્યાં હતાં. સાથે જ કહ્યું હતું કે તેમને કોંગ્રેસની વંશવાદી રાજનીતિ પસંદ નથી.

ઑગસ્ટ 2024: ઇન્દિરા ગાંધીને રાહુલની દાદી માનવાનો કર્યો ઇનકાર. ફિલ્મ 'ઇમરજન્સી'ના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યું હતું કે તેઓ ઇન્દિરા ગાંધીને માત્ર રાહુલ ગાંધીની દાદીના રૂપમાં નથી જોતાં. તેમના અનુસાર, ઇન્દિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન હતાં અને તેમનો ઇતિહાસ તમામ ભારતીયો સાથે જોડાયેલો છે.