હિમાચલ પ્રદેશના મંડી સંસદીય ક્ષેત્રના ભાજપ સાંસદ કંગના રનૌતે શનિવારે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠકમાં અધિકારીઓને કડક ઠપકો આપ્યો હતો. સાંસદ નિધિના યોગ્ય ઉપયોગ ન થવા અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
બેઠક દરમિયાન કંગનાએ તમામ BDO (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર)ને ઊભા કરીને પૂછ્યું હતું કે, 'આખા દેશમાં આપણે મજાક બની ગયા છીએ. લોકો મને નકામી કહી રહ્યા છે. હું નેશનલ મીડિયામાં આ વિશે કંઈ બોલી શકતી નથી.' તેમણે કહ્યું કે સાંસદનું કામ ફંડ આપવાનું છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરાવવાની જવાબદારી અધિકારીઓની છે.
તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે માત્ર પગાર લેવા માટે બેઠકોમાં ન આવે, પરંતુ અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અમલમાં મૂકે. કંગનાએ સવાલ કર્યો, 'અગાઉની બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, તેના પર અત્યાર સુધી કામ કેમ નથી થયું? શું આ મીટિંગ ઔપચારિકતા માત્ર છે?'
સાંસદ નિધિના ઉપયોગ અંગે તેમણે જણાવ્યું કે 11 કરોડ રૂપિયામાંથી અડધી રકમ પણ વપરાઈ નથી. તેમણે કહ્યું કે ઘણા લોકોએ ફંડ લીધું છે, પરંતુ કામ શરૂ કર્યું નથી. કેટલાક લોકો પાસે જમીન નથી, પરવાનગી નથી, ખોટા એમઓયુ (MOU) પર સહી કરાવીને મોકલ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યું કે આવા લોકો પાસેથી રકમ પાછી લેવાની કાર્યવાહી કરવી જોઈએ.
કંગનાએ એવા લોકોની પણ ફરિયાદ કરી કે જેમણે કામ પૂરું કર્યું છે, પરંતુ તેની માહિતી અપલોડ કરતા નથી. તેમણે કહ્યું, 'કેટલાક લોકોએ કામ પૂરું કર્યું છે, છતાં તેમના ખાતામાં રૂપિયા બચ્યા છે. કામ દેખાઈ રહ્યું નથી.' તેમણે આવા કિસ્સાઓ માટે તાલીમની અછત તરફ ધ્યાન દોર્યું.
સાંસદે કહ્યું કે આખા દેશની નજર મંડી સંસદના પ્રદર્શન પર છે. મીડિયામાં સતત એવા અહેવાલ આવે છે કે કંગનાએ 11 કરોડ રૂપિયા આપ્યા, પણ એક પણ કામ થયું નથી. તેમણે કહ્યું, 'હું શું જવાબ આપું કે અધિકારીઓ માત્ર પગાર લેવા આવે છે?' તેમણે સૂચનો અને યોજનાઓને અમલમાં મૂકવા પર ભાર મૂક્યો અને કહ્યું કે માત્ર સૂચનોથી કામ નહીં ચાલે.