સત્ય. સાહસ. સંકલ્પ.

કંડલા OTB નજીક બે જહાજ અથડાયા, 24 લોકોનું રેસ્ક્યૂ

કંડલા OTB નજીક બે જહાજ અથડાયા, 24 લોકોનું રેસ્ક્યૂ

કચ્છના કંડલા OTB (ઓફશોર ટેન્કર બર્થ) નજીક બે જહાજ વચ્ચે ટક્કર થતાં અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, કોલસાથી ભરેલું એક જહાજ અન્ય એક જહાજ સાથે અથડાયું હતું. ટક્કર બાદ K Max Emperor નામના જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.

અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં જહાજના કેપ્ટન અને 2 ચીફ એન્જિનિયર સહિત કુલ 24 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ બાદ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બીજી તરફ, કોઈપણ પ્રકારની વધુ મુશ્કેલી ઊભી થાય અથવા જહાજને મદદની જરૂર પડે તે માટે 2 પોર્ટ ટગ અને 2 કોસ્ટ ગાર્ડ જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હાલ અકસ્માત બાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જહાજને થયેલા નુકસાન અને ટક્કરનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંડલા OTB વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી દરમિયાન જહાજની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ સમુદ્રમાં કોઈ વધુ નુકસાન ન થાય અને જરૂરી સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પોર્ટ તથા કોસ્ટ ગાર્ડની ટીમો એલર્ટ મોડ પર છે. અકસ્માત અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.