દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જવા માટે ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, ત્યારે સ્ટેશન પર યાત્રીઓની અવરજવર પણ વધી છે. આ સ્થિતિમાં મુસાફરોને હાલાકી ન થાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ સ્ટેશન પર તમામ પ્રકારના પાર્સલ ટ્રાફિકની કામગીરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવેના મુખ્યાલયે 6 નવેમ્બરે જાહેર કરેલા આદેશ મુજબ, 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી અમદાવાદ (ADI) સ્ટેશન પર પાર્સલની આવક અને જાવક બંને બંધ રહેશે. આ પ્રતિબંધમાં રેલવેના ડિપાર્ટમેન્ટલ પાર્સલ ઉપરાંત લીઝ પર આપવામાં આવેલા પાર્સલ ટ્રાફિકનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ સમયગાળા દરમિયાન અમદાવાદ સ્ટેશન પરથી પાર્સલનું ઇનવર્ડ અને આઉટવર્ડ બુકિંગ થઈ શકશે નહીં.
રેલવેના આદેશમાં જણાવ્યા મુજબ, દિવાળી અને છઠ પૂજા દરમિયાન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર થવાની શક્યતા છે. સાથે જ સ્ટેશન પર મેગા રિડેવલપમેન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પાર્સલની લોડિંગ અને અનલોડિંગની કામગીરી ચાલુ રાખવાથી પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવરમાં અડચણ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સક્ષમ સત્તાધિકારીએ પાર્સલ ટ્રાફિક બંધ કરવાની મંજૂરી આપી છે.
આ પ્રતિબંધ દરમિયાન પેસેન્જર કોચમાં વ્યક્તિગત સામાન (પર્સનલ લગેજ) લઈ જવાની મંજૂરી યથાવત્ રહેશે. ઉપરાંત, રજિસ્ટર્ડ અખબારો અને મેગેઝિનનું બુકિંગ પણ નિયમિત કોમર્શિયલ નિયમો હેઠળ ચાલુ રહેશે. જોકે, 7 નવેમ્બર પહેલાં લોડ કરવામાં આવેલા પાર્સલને આદેશમાં દર્શાવેલી છૂટ મુજબ લઈ જઈ શકાશે.