અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કામને લીધે દક્ષિણ તરફની નવી ઇમારતમાંથી પ્લેટફોર્મ-1 પર જવા માટે નવો દાદર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમ પણ નવી ઇમારતમાં ખસેડવામાં આવ્યા છે.
જોકે, બુલેટ ટ્રેનની મુખ્ય ઇમારતમાંથી પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મુસાફરોએ અંદાજે 72 પગથિયાં ચઢવા પડે છે. લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા હજી શરૂ ન થયી હોવાથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને અગવડ પડી શકે છે. આ સુવિધાઓ શરૂ થયા પછી મુસાફરોને રાહત મળવાની ધારણા છે.
બુલેટ ટ્રેનની મુખ્ય ઇમારતમાંથી બનાવેલો દાદર નવી સ્ટેશન ઇમારતના રૂફ પ્લાઝા સુધી જાય છે. તેથી મુસાફરોએ પહેલા દાદર ચઢીને રૂફ પ્લાઝા પર પહોંચવું પડે છે અને ત્યાંથી ફરી ફૂટ ઓવરબ્રિજ સુધી જવું પડે છે. ત્યાર બાદ તેઓ પોતાના પ્લેટફોર્મ પર પહોંચી શકે છે. આમ, નવી એન્ટ્રીથી મુસાફરોને વૈકલ્પિક રસ્તો મળ્યો છે, પણ પ્લેટફોર્મ સુધી પહોંચવા હાલ વધારાની અવરજવર કરવી પડે છે.
રિઝર્વેશન કાઉન્ટર અને ક્લોક રૂમ નવી ઇમારતમાં ખસેડાતાં મુસાફરોને ટિકિટ બુકિંગ અને સામાન રાખવાની સુવિધા નવી જગ્યાએ મળશે. સ્ટેશન પર નવી સુવિધાઓ શરૂ થવાથી મુસાફરોની અવરજવર વ્યવસ્થિત બનવામાં મદદ મળશે.
અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસનો મુખ્ય હેતુ મુસાફરોની અવરજવર સરળ બનાવવાનો અને ભીડ ઘટાડવાનો છે. નવી એન્ટ્રી અને બહાર નીકળવાના રસ્તાઓ વિકસતાં સ્ટેશન પર વાહનોની ભીડ અને ટ્રાફિકની સમસ્યા ઘટવાની આશા છે. જોકે, બુલેટ ટ્રેનની ઇમારતમાંથી પ્લેટફોર્મ સુધી 72 પગથિયાં ચઢવા પડતાં હોવાથી લિફ્ટ અને એસ્કેલેટર શરૂ થાય ત્યાં સુધી મુસાફરોને અગવડ ચાલુ રહેશે.