સત્ય. સાહસ. સંકલ્પ.

કાલુપુરમાં 30 ફટાકડાની દુકાનો સીલ, દુકાનદારોને 3 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ

કાલુપુરમાં 30 ફટાકડાની દુકાનો સીલ, દુકાનદારોને 3 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આશરે 30 ફટાકડાની દુકાનો સીલ કરી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફ જતા રસ્તા પર આ દુકાનો ચાલી રહી હોવાની માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ શહેરમાં ફટાકડાની દુકાનો, ગોડાઉન અને ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં કાલુપુરમાં ફરી ફટાકડાની દુકાનો શરૂ થઈ ગઈ હોવાની માહિતી મળતાં આ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, સીલ કરાયેલી દુકાનોના સંચાલકોને BU, ફાયર, પોલીસ તેમજ એક્સપ્લોઝિવ સંબંધિત જરૂરી પરવાનગીઓના પુરાવા ત્રણ દિવસમાં રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો દુકાનદારો ફટાકડાનો વેપાર કરતા ન હોય અને અન્ય કોઈ વેપાર કરતા હોય તો જરૂરી પ્રક્રિયા બાદ દુકાનો ખોલી આપવામાં આવશે.

આ કાર્યવાહી બાદ એક સવાલ ઊભો થાય છે કે અગાઉની કાર્યવાહી પછી આ દુકાનોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી હતી કે નહીં, અને ફરીથી ફટાકડાનો વેપાર શરૂ થયો હોવાની જાણકારી વિભાગને ક્યારે થઈ.

કાલુપુરનો આ વિસ્તાર શહેરના સૌથી વધુ ભીડવાળા વિસ્તારોમાંનો એક છે, જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા ભરચક વિસ્તારમાં ફટાકડાનો વેપાર થતો હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જાનમાલના નુકસાનનું જોખમ રહે છે. સીલ કરાયેલી આ દુકાનો કાલુપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલી હોવાનું જાણવા મળે છે.