સત્ય. સાહસ. સંકલ્પ.

યુએઈમાંથી કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹4,000 કરોડનો ગેસ પાઇપલાઇન ઓર્ડર મળ્યો

યુએઈમાંથી કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹4,000 કરોડનો ગેસ પાઇપલાઇન ઓર્ડર મળ્યો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹4,000 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ જણાવ્યું કે આ ઓર્ડર તેના ઓઇલ એન્ડ ગેસ બિઝનસનો મોટો EPC ઓર્ડર છે. EPCમાં કંપની એન્જિનિયરિંગ, સામાનની ખરીદી અને નિર્માણનું કામ કરે છે. કંપની ₹4,000 કરોડથી વધુ કિંમતના ઓર્ડરને મોટા ઓર્ડર તરીકે ગણે છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મનીષ મોહનોતે જણાવ્યું કે આ ઓર્ડર ગ્લોબલ બજારમાં અને ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં કંપનીની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ઓર્ડર કંપનીની ટેકનિકલ જાણકારી, કામ કરવાની ક્ષમતા અને વિશ્વભરમાં બિઝનસ વિસ્તારવાની તાકાત દર્શાવે છે.

કલ્પતરુ પ્રોજેક્ટ્સે જૂન ત્રિમાસિકના પરિણામો ગયા મહિને જાહેર કર્યા હતા. કંપનીનો ચોખ્ખો નફો 45% વધીને ₹310 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹214 કરોડ હતો. કંપનીની આવક 4% વધીને ₹6,401.8 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹6,171.2 કરોડ હતી. EBITDA 7% વધીને ₹562 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹525 કરોડ હતો. EBITDA માર્જિન 8.51%થી વધીને 8.77% થયું છે.

કલ્પતરુ પ્રોજેક્ટ્સ વિશ્વની મોટી EPC કંપનીઓમાંથી એક છે અને તેનો બિઝનસ 75 દેશો સુધી ફેલાયેલો છે. કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, બિલ્ડિંગ અને ફેક્ટરી, વોટર સપ્લાય અને ટ્રીટમેન્ટ, રેલવે, ઓઇલ એન્ડ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બન મોબિલિટી, હાઇવે અને એરપોર્ટ જેવા ક્ષેત્રોમાં સેવાઓ આપે છે.

જો કે, 28 સપ્ટેમ્બરે કંપનીના શેર 1.12% ઘટીને ₹1,375.60 પર ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીનો શેર 52 સપ્તાહના નીચા સ્તરથી 38% તેજીમાં ટ્રેડ થઈ રહ્યો છે.

નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર, સોના-ચાંદી, મ્યુચુઅલ ફંડ કે IPOમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. બજારમાં રોકાણ જોખમ સાથે સંબંધિત છે.