સત્ય. સાહસ. સંકલ્પ.

કલોલમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયું, ડ્રેનેજ વ્યવસ્થા પર સવાલ

કલોલમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયું, ડ્રેનેજ વ્યવસ્થા પર સવાલ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું. આ ઉપરાંત સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.

શહેરના મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ પાણી રસ્તા પર ફરી વળતાં રસ્તા બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિકોમાં ચર્ચા છે કે વરસાદ પહેલાં ડ્રેનેજની યોગ્ય સફાઈ અને પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. વારંવાર પાણી ભરાતું હોવાથી ડ્રેનેજ સફાઈ અને રસ્તાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અણઘડ અને પૂરતા આયોજન વિના કરવામાં આવેલા વિકાસ કામોને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. વરસાદ પડતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.

કલોલમાં ગટર અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. કલોલ નગરપાલિકામાં 25 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

હવે વરસાદી સિઝનમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકો દ્વારા પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજની નિયમિત સફાઈ અને વરસાદી પાણી માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરવામાં આવી રહી છે.