સત્ય. સાહસ. સંકલ્પ.

કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા, રહીશો રોગચાળાના ભયમાં

કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા, રહીશો રોગચાળાના ભયમાં

ગાંધીનગરના કલોલ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સોસાયટીના રસ્તાઓ પર સતત ગંદું પાણી ભરાયેલું રહેતું હોવાથી રહીશોની દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ ગંદકી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે નગરપાલિકા અને અન્ય સંબંધિત સરકારી વિભાગોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક રહીશોએ તો સરકારના ફરિયાદ નિવારણ IT પોર્ટલ પર ફોટા સાથે ફરિયાદ પણ નોંધાવી છે, તેમ છતાંય કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં રહીશોમાં રોષ વ્યાપ્ત છે.

રહીશોનો આરોપ છે કે, સમસ્યાના નિરાકરણની જવાબદારી અંગે નગરપાલિકા અને GEB એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ, એક ખાડો પૂરવામાં આવે છે તો ત્યાં બીજો ખાડો થઈ જાય છે અને તંત્ર દ્વારા GEBના અંડરગ્રાઉન્ડ ગટરમાંથી વાયર કાઢવાના કારણો આપવામાં આવે છે.

જો કે, સામાન્ય નાગરિકોને આંતરિક વિવાદોમાં રસ નથી. તેમની એકમાત્ર માંગ છે કે, તેમને સ્વચ્છ પાણી મળે અને ગંદા પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. આ કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત આવશ્યક છે.