ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રીકૃષ્ણ સદા સહાયતે'માં 'લાલો' તરીકે લોકપ્રિય થયેલા અભિનેતા શ્રૃહદ ગોસ્વામી હવે નવી ફિલ્મ સાથે આવી રહ્યા છે. દ્વાન પ્રોડક્શનની આ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ 'કાળીચૌદસ' રાખવામાં આવ્યું છે અને તે 19 ફેબ્રુઆરી 2027ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
ફિલ્મ ગામડાંની લોકવાયકાઓ અને અંધશ્રદ્ધાની પૃષ્ઠભૂમિ પર બની રહી છે. મેકર્સે એક શોર્ટ વીડિયો શેર કરીને ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું છે. વીડિયોમાં અગ્નિના કુંડાળા વચ્ચે એક વ્યક્તિ સૂતેલી દેખાય છે અને પાર્શ્વધ્વનિમાં રહસ્યમય અવાજ સંભળાય છે: 'છોડી દેલ્યા... ઈને છોડી દેલ્યા... એને તો મુક્તિ વેણમ... મુક્તિ.' ત્યારબાદ ફિલ્મનું ટાઇટલ સ્ક્રીન પર આવે છે.
મેકર્સે વીડિયો સાથે લખ્યું છે, 'ગામની સીમમાં એક વાત આજે પણ થાય છે... કે ચાર રસ્તે કુંડાળામાંથી કાંઈ ના લેવાય, નહીં તો વળગે.' આ લોકવાયકાને કેન્દ્રમાં રાખીને ફિલ્મની વાર્તા રજૂ થશે તેવું અનુમાન છે.
આ રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મમાં શ્રૃહદ ગોસ્વામી ઉપરાંત રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિદ્ધિ, દીપેન રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ગોપી દેસાઈ, યશ વારન અને રીતિકા વાસુ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ડ્રીમ યાત્રા ફિલ્મ્સના એસોસિએશનમાં બની રહેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મનું નિર્માણ દક્ષ એ. વાસુએ કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જ્યારે લેખક અને અભિનેતા ચેતન દૈયાએ ફિલ્મની વાર્તા લખી છે.
નોંધનીય છે કે શ્રૃહદ ગોસ્વામી, કરણ જોશી અને રીવા રાચ્છ અભિનીત ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રીકૃષ્ણ સદા સહાયતે' 2025ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. માત્ર રૂ. 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ. 120 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયાએ કર્યું હતું.