આસો વદ ચૌદશને કાળી ચૌદશ અથવા રૂપ ચૌદશ કહેવામાં આવે છે. દિવાળીના પાંચ દિવસના મહાપર્વમાં આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. સામાન્ય રીતે આ દિવસે તંત્ર સાધના અને હનુમાનજીની પૂજા વિશે ચર્ચા થાય છે, પણ સનાતન પરંપરામાં આ દિવસે સૂર્યોદય પહેલાં કરવામાં આવતા 'અભ્યંગ સ્નાન'નું પણ વર્ણન છે.
શાસ્ત્રોમાં માન્યતા છે કે કાળી ચૌદશની સવારે ઔષધિ અને તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે, નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને રૂપ તથા આરોગ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ગંગાસ્નાન જેવું પવિત્ર માનવામાં આવે છે.
આ દિવસ સાથે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પહેલી કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અસુર નરકાસુરનો વધ કરીને 16,100 કન્યાઓને મુક્ત કરાવી હતી. રાક્ષસનો સંહાર કર્યા બાદ ભગવાન કૃષ્ણે શરીર પરથી રક્ત દૂર કરવા ઔષધીય સ્નાન કર્યું હતું. ત્યારથી આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની પરંપરા ચાલી આવે છે. બીજી કથા પદ્મ પુરાણ સાથે જોડાયેલી છે, જે મુજબ આ દિવસે સૂર્યોદય પહેલાં તેલ માલિશ કરીને સ્નાન કરવાથી અને પાણીમાં તલ ઉમેરીને અર્ઘ્ય આપવાથી યમલોકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે.
શાસ્ત્રોમાં સામાન્ય પાણીના બદલે કેટલીક વિશેષ સામગ્રી ઉમેરીને તૈયાર કરેલા પાણીથી સ્નાન કરવાનું વિધાન છે:
ચમેલી અથવા તલનું તેલ: સ્નાન પહેલાં આખા શરીર પર માલિશ કરવા માટે ચમેલીનું તેલ અથવા તલનું તેલ ઉત્તમ માનવામાં આવે છે.
ઉબટન: ચણાનો લોટ, હળદર, ગુલાબજળ અને ચંદન ભેગું કરીને બનાવેલું લેપ શરીર પર લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે.
આઘેડો અને કાળા તલ: સ્નાનના પાણીમાં કાળા તલ અને આઘેડાના પાંદડાં નાખીને તે પાણી માથા પરથી રેડવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.
ગંગાજળ: સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરવાથી મન અને આત્મા શુદ્ધ થાય છે.
સ્નાનની વિધિ અંગે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું શ્રેષ્ઠ છે. સ્નાન પહેલાં શરીર પર તલનું તેલ અથવા ઔષધીય તેલ લગાવીને થોડી મિનિટો સુધી માલિશ કરવી. માથા પરથી આઘેડાનો છોડ અથવા પાંદડું ફેરવીને સ્નાન શરૂ કરવું. સ્નાન બાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમદેવના નામે તલના તેલનો દીવો પ્રગટાવવો.
આયુર્વેદ અનુસાર આસો મહિનાના અંતમાં અને કાર્તિકની શરૂઆતમાં ઋતુ પરિવર્તન થાય છે. શિયાળાની શરૂઆતમાં ત્વચા શુષ્ક થવા લાગે છે. કાળી ચૌદશે તેલ માલિશ અને લેપથી સ્નાન કરવાથી ત્વચાને ભેજ મળે છે, રક્તસંચાર સુધરે છે અને વાયુ દોષ દૂર થાય છે. આમ આ ધાર્મિક પરંપરા પાછળ સ્વાસ્થ્યનું કારણ પણ રહેલું છે.