સત્ય. સાહસ. સંકલ્પ.

કાજલ ધોચક અને નીલમ સિરોહીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, કાજલ પ્રથમ ભારતીય હેવીવેઇટ મેડલિસ્ટ

કાજલ ધોચક અને નીલમ સિરોહીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, કાજલ પ્રથમ ભારતીય હેવીવેઇટ મેડલિસ્ટ

ભારતીય મહિલા પહેલવાનોએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કાજલ ધોચકે 76 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે નીલમ સિરોહીએ 50 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ સાથે કાજલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેવીવેઇટ વર્ગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય રેસલર બની છે.

બુધવારે યોજાયેલી 76 કિગ્રા ફાઇનલમાં 18 વર્ષીય કાજલને યુક્રેનની અનાસ્તાસિયા અલ્પીએવાએ 8-6થી હરાવી. કાજલે પ્રથમ પિરિયડ બાદ 1-3થી પાછળ રહ્યા બાદ બીજા પિરિયડમાં જોરદાર વાપસી કરીને સ્કોર 4-4 કરી દીધો હતો. પરંતુ મેચ પૂરી થવાના લગભગ 20 સેકન્ડ પહેલાં અલ્પીએવાએ દાવ અજમાવીને 4 પોઇન્ટ મેળવ્યા અને 8-4ની લીડ બનાવી દીધી. કાજલે અંતિમ ક્ષણોમાં 2 પોઇન્ટ મેળવ્યા, પણ અંતે 6-8થી હારનો સામનો કરવો પડ્યો.

કાજલ પહેલીવાર સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી હતી. ફાઇનલ પહેલાં સેમિફાઇનલમાં તેણે કિર્ગિસ્તાનની એપેરી મેદેત ક્યજી સામે 1-7થી પાછળ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરીને 10-7થી જીત નોંધાવી હતી. કાજલ અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકી છે.

બીજી તરફ, કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલી 50 કિગ્રા ફાઇનલમાં 26 વર્ષીય નીલમ સિરોહીનો સામનો જાપાનની યુઈ સુસાકી સાથે થયો. સુસાકીએ 5-0ની લીડ મેળવ્યા બાદ પ્રથમ પિરિયડમાં જ નીલમને પિન-ફોલ કરી દીધી. આ હાર સાથે નીલમને સિલ્વર મેડલ મળ્યો. નીલમે સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની ઝેનપ બયાનોવાને 7-3થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સુસાકીએ આ જીત સાથે પોતાનું પાંચમું વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીત્યું છે. તે 48 કિગ્રા અને 50 કિગ્રા વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે.

ભારત માટે આ ખાસ સિદ્ધિ છે કારણ કે પહેલીવાર એક જ એડિશનમાં ભારતની બે મહિલા પહેલવાનોએ ફાઇનલ સુધીની સફર ખેડી છે. આ પહેલાં 2021માં ઓસ્લોમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો અને સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની હતી. હવે કાજલ અને નીલમે એક જ એડિશનમાં ફાઇનલ રમીને ભારતીય મહિલા રેસલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.